સૌથી વધુ મતદાર પનવેલમાં, સૌથી ઓછા મતદાર વડાલામાં

આચારસંહિતાની ફરિયાદ નોંધાવવા ટે.નં. 1950
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવતી 21મી અૉક્ટોબરે યોજાવાની છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો છે. રાજ્યમાં 8,94,46,211 મતદારો છે. તેમાં સહુથી વધુ 5,54,827 મતદારો પનવેલ વિધાનસભા ક્ષેત્રમાં છે. જ્યારે સહુથી ઓછા 2,39,935 મતદાર વડાલા વિધાનસભા ક્ષેત્રમાં છે. રાજ્યમાં અપંગ મતદારોની સંખ્યા 3,60,885 છે.
મતદાન માટે ઇવીએમનાં 1.80 લાખ યુનિટ ઉપયોગમાં લેવાશે, 1.30 લાખ કંટ્રોલ યુનિટ અને 1.35 લાખ વીવીપેટ યંત્રણા ઉપયોગમાં લેવાશે. ચૂંટણીનાં કામ માટે 6.50 લાખ કર્મચારીઓ સહભાગી થશે. રાજ્યમાં મતદાર કેન્દ્રોની સંખ્યા 96,654 છે.
દિવ્યાંગ નાગરિક મતદાર તરીકે નામ નોંધાવી શકે, મતદાન કેન્દ્ર શોધી શકે અને વ્હીલચેરની માગણી નોંધાવી શકે એ માટે `પીડબ્લ્યુડી ઍપ'ની સુવિધા આપવામાં આવી છે. દિવ્યાંગ મતદારોની અગવડ દૂર કરવા માટે 5000 કરતાં વધારે મતદાન કેન્દ્રોને ઉપલા માળેથી ભોયતળિયે લાવવામાં આવ્યાં છે.
રાજ્યમાં કોઈ પણ સ્થળે આચારસંહિતાનું ઉલ્લંઘન થતું હોય તો તેની ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી ટે.નં. 1950ની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer