પાયધૂનીમાં 10 માળની ગેરકાયદે ઇમારતને આજથી તોડવાનું શરૂ કરાશે

પાયધૂનીમાં 10 માળની ગેરકાયદે ઇમારતને આજથી તોડવાનું શરૂ કરાશે
90 ફલૅટમાં રહેતા 100 જેટલા પરિવારો રસ્તા પર આવી જશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : બીએમસી દક્ષિણ મુંબઈના પાયધૂની વિસ્તારમાં આવેલી 10 માળની ગેરકાયદે ઈમારતને સોમવારે તોડવાનું શરૂ કરશે. જ્યાં બહુ ઓછા સમયમાં આવી ગેરકાયદે ઈમારતો બની જાય છે તે ડોંગરી જેવા વિસ્તારની નજીક આ વિસ્તાર આવેલો છે. કડવી પણ સત્ય એવી વાત એ છે કે તપાસથી બચવા અહીં રાતોરાત ઈમારતો ઊભી થઈ જતી હોય છે. લંબાયેલા વિકએન્ડમાં રિપેરિંગના બહાને વધુ માળ ચણી દેવામાં આવતા હોય છે.
બીએમસીએ શનિવારે ગુલિસ્તાન એપાર્ટમેન્ટસના રહેવાસીઓને ઈમારત ખાલી કરવાની નોટિસ આપી દીધી હતી. આ ઈમારતમાં 90 જેટલા ફલૅટ છે અને એક વખત આ ઈમારતને તોડવાનું કાર્ય શરૂ થઈ જશે તો ઓછામાં ઓછા સો જેટલા પરિવારો ઘરબાર વિનાના થઈ જશે.
એક વર્ષ પહેલાં એક પણ પરવાનગી વિના 10 માળની આ ઈમારત બાંધવાની છૂટ આપવા બદલ બીએમસીના ત્રણ જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સી વૉર્ડના મદદનીશ મ્યુનિસિપલ કમિશનર વિનાયક વિસપુતેએ જણાવ્યું હતું કે જ્યારે આ ઈમારતના પાંચ માળ બંધાઈ ગયા ત્યારે `કામ અટકાવો નોટિસ' આપવામાં આવી હતી, પરંતુ કામ અટકાવવાને બદલે બીલ્ડરો આગળ વધ્યા હતા અને બીજા પાંચ માળ બાંધી દીધા હતા. રહેવાસીઓ બિલ્ડિંગ તોડવા સામે કોર્ટમાં ગયા હતા, પરંતુ સિટી સિવિલ કોર્ટે તેમને કોઈ રાહત આપી નહોતી. આ ઉપરાંત હાઈ કોર્ટે પણ કોઈ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.
આ ગુલિસ્તાન એપાર્ટમેન્ટથી માત્ર 500 મીટર દૂર આવેલી ડોંગરીની કેસરબાઈ બિલ્ડિંગ આ વર્ષના જુલાઈ મહિનામાં ધરાશાયી થઈ ત્યારે 13 જણ માર્યાં ગયાં હતાં. બીએમસીના વિજિલન્સ વિભાગે આ હોનારતની કરેલી તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આ આખો વિસ્તાર ગેરકાયદે બાંધકામોથી ખદબદી રહ્યો છે. આ તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે લેભાગુ બીલ્ડરો રિપેરિંગના બહાને વધુ માળ બાંધી દેતા હોય છે. આ ગેરકાયદે બાંધકામો બીએમસીની કચેરીઓ જ્યારે બંધ હોય છે ત્યારે લંબાવેલા વીકએન્ડના દિવસોમાં ઊભાં કરી દેવામાં આવે છે.
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer