મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ બનશે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ બનશે
ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ કહે છે...
મુંબઈમાં વિશાળ જનસભાને સંબોધતાં તેમણે કહ્યું, કશું થાય કે ન થાય વિજય તો અમારો જ થવાનો છે; 370મી કલમ રદ કરાઈ એ બાદ કાશ્મીરમાં એકેય ગોળી નથી છોડાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : કાશ્મીર અમારા માટે ક્યારેય રાજકીય મુદ્દો નહોતો. વર્ષ 1990થી 2019 સુધી કાશ્મીરમાં આતંકવાદને કારણે 40,000 કરતાં વધુ લોકોનાં મરણ નીપજ્યાં હતાં. સંસદે જમ્મુ-કાશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો રદ કર્યો પછી ત્યાં અમારે એકપણ ગોળી ચલાવવી પડી નથી અને એક પણ વ્યક્તિનું મૃત્યુ અશાંતિ કે તોફાનોને કારણે થયું નથી. હવે કાશ્મીર વિકાસને પંથે આગળ ધપશે એમ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલથી લાગુ પડેલી આચારસંહિતા બાદ પ્રથમવાર યોજાઈ રહેલી સભામાં અમિત શાહે ભાજપના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ગેરેગામમાં મુંબઈ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલી સભામાં અમિત શાહે જણાવ્યું હતું કે કાશ્મીર માટે જનસંઘ અને પછી ભાજપની ત્રણ પેઢીઓએ બલિદાન આપ્યું છે. પૂર્વાશ્રમી જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ એક જ ભારતમાં અલગ ઝંડો અને બંધારણ નહીં ચલાવી લેવાય એમ કહીને કાશ્મીરમાં આંદોલન કર્યું હતું ત્યારે શેખ અબદુલ્લાએ તેમની ધરપકડ કરી હતી. તેમનું જેલમાં રહસ્યમય સંજોગોમાં મરણ નીપજ્યું હતું. દેશમાં 630 રજવાડાંને વિલીન કરવાની જવાબદારી સરદાર પટેલ પાસે હતી. માત્ર કાશ્મીરની જવાબદારી પંડિત નહેરુ પાસે હતી. પાકિસ્તાને 20મી અૉક્ટોબર, 1947ના દિવસે કાશ્મીરમાં હુમલો કર્યો હતો. 26મી અૉક્ટોબરે કાશ્મીરના રાજાએ ભારતની મદદ માગી પછી 27મી અૉક્ટોબરે પાકિસ્તાનના લશ્કરને મારી હટાવવાની શરૂઆત કરી હતી. તેને કાશ્મીરમાંથી પૂર્ણપણે હટાવી દેવાય એ પૂર્વે નહેરુએ યુદ્ધવિરામ જાહેર કરી દીધો હતો. નહેરુની તે ભૂલને લીધે આપણે જેને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર કહીએ છીએ તે જીતવાનું બાકી રહી ગયું હતું. તેના કારણે કાશ્મીરનો અમુક હિસ્સો પાકિસ્તાન પાસે રહી ગયો. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપણે પહેલી જાન્યુઆરી, 1948ના દિવસે ચાર્ટર 35ને બદલે ચાર્ટર 31માં ગયા. તેથી `પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર' વિવાદાસ્પદ મુદ્દો બની ગયો. વર્ષ 1950માં સરદાર પટેલના અવસાન બાદ જુલાઈ, 1952માં નહેરુ અને શેખ અબદુલ્લાની દિલ્હી સમજૂતી થઈ હતી. તેથી બંધારણની કલમ 370 અને 35-એ અસ્તિત્વમાં આવી હતી. પાકિસ્તાનમાં જન્મેલા નેતાઓ - ડૉ. મનમોહન સિંઘ અને ઈન્દ્રકુમાર ગુજરાલ વડા પ્રધાન તેમ જ એલ. કે. અડવાણી નાયબ વડા પ્રધાન બન્યા હતા.
ફડણવીસ જ ફરી મુખ્ય પ્રધાન
મહારાષ્ટ્રમાં હાલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ છે અને ચૂંટણી પછી પણ તેઓ જ મુખ્ય પ્રધાન બનશે. કંઈ પણ થાય અથવા કંઈ પણ ન થાય, પરંતુ ચૂંટણીમાં અમારો વિજય નિશ્ચિત છે. અમને બહુમતી નહીં ત્રણ ચતુર્થાંશ બહુમતીથી વિજય મળે એ જરૂરી છે, એમ અમિત શાહે ઉમેર્યું હતું.
કાશ્મીરમાં અબજો ખર્ચાયા
જમ્મુ-કાશ્મીર પાછળ 2,87,000 કરોડ રૂપિયા ખર્ચાયા છે. તે નાણાં વડે કાશ્મીરવાસીઓના ઘર ઉપર સોનાનાં છાપરાં બેસાડી શકાયાં હોત. પુષ્કળ નાણાં ખર્ચવા છતાં જમ્મુ-કાશ્મીરનો વિકાસ થયો નથી.
કાશ્મીરમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓ તેમ જ અન્ય પછાત વર્ગો માટે આરક્ષણ નહોતું હવે તે ઉપલબ્ધ થશે. ત્યાં માનવ અધિકાર પંચ નહોતું તે હવે આવશે. ત્યાં એટ્રોસિટી ઍકટ નથી તેનો અમલ શરૂ થશે. ત્યાં એન્ટિ કરપ્શન બ્યૂરો નથી તે હવે સ્થપાશે. ત્યાં ત્રણ પરિવારોએ જ ભ્રષ્ટાચાર આચર્યો છે. તે ભ્રષ્ટાચાર કરવાના કામમાં અવરોધ આવે એવું કોઈ કામ થવા દેવાયું નથી. બાળવિવાહ પર બંધી અને દિવ્યાંગો માટે વિશેષ કાયદો નહોતો તે હવે શરૂ થશે. મુંબઈમાં બધાં રાજ્યોના લોકો રહે છે. આમ છતાં મરાઠી અસ્મિતા અકબંધ છે. છત્રપતિ શિવાજી આખા ભારતમાં પૂજાય છે.
આપણે ક્યારેય ગુજરાત, મહારાષ્ટ્ર કે ઓરિસા ભારતનું અવિભાજ્ય અંગ છે એમ કહેતા નથી. તેનું કારણ કે તે ભારતના અવિભાજ્ય અંગ છે. કાશ્મીર માટે એમ કહેવું પડતું હતું. તેનું કારણ 370મી કલમ હતી. હવે તે રહી નહીં હોવાથી જમ્મુ-કાશ્મીર અવિભાજ્ય અંગ છે એમ કહેવાની જરૂર નહીં પડે.
કાશ્મીર મુદ્દે બધા પક્ષો સાથ આપે
વડા પ્રધાન નરસિંહરાવની સરકાર સત્તા ઉપર હતી ત્યારે તેની વિનંતીથી ભાજપના નેતા અટલબિહારી વાજપેયી કાશ્મીરના મુદ્દાની રજૂઆત કરવા `યુનો'માં ગયા હતા. જ્યારે કૉંગ્રેસના રાહુલ ગાંધી જેએનયુમાં જઈને આ મુદ્દે ટીકા કરી હતી. મહારાષ્ટ્રવાદીઓએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રવાદીના નેતા શરદ પવારને પૂછવું જોઈએ કે તમે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી કલમ રદ કરવાનું સમર્થન કરો છો? તેથી તેઓની વિચારધારા ખુલ્લી પડશે.
કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય 
લોકસભાની ચૂંટણી પછી સંસદના પ્રથમ અધિવેશનમાં ગત અૉગસ્ટમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી કલમ રદ કરવામાં આવી હતી. ત્યાર પછી ત્યાં હજી સુધી એકપણ ગોળી ચલાવવી પડી નથી કે અશાંતિ-તોફાનોમાં કોઈનું પણ મરણ નીપજ્યું નથી. ત્યાં 140માંથી માત્ર દસ પોલીસ સ્ટેશનોમાં જ અંકુશો છે. 90 ટકા લેન્ડલાઈન ફોન ચાલુ છે. 67 ટકા મોબાઈલ ચાલુ છે. સંચારબંધી ક્યાંય નથી. વેપાર ચાલુ છે એમ શાહે ઉમેર્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ થવાથી ભારતમાં તે રાજ્યનું ખરા અર્થમાં વિલીનીકરણ થયું છે. ભાજપના તત્કાલીન અધ્યક્ષ ડૉ. મુરલી મનોહર જોશીએ શ્રીનગરમાં પ્રજાસત્તાક દિને ત્રિરંગો ફરકાવીને બંધારણની 370મી કલમનો પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો.
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer