ઘરના વેચાણખત માટે મહારેરા રજિસ્ટ્રેશન ફરજિયાત

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર સરકારે શનિવારે બહાર પાડેલા નોટિફિકેશનમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના અધિકારીઓને કોઈ પણ બંધાઈ રહેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના વેચાણના એગ્રીમેન્ટને રજિસ્ટર કરવા અગાઉ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર રિયલ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)માં નોંધાયેલો છે કે નહીં એની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.
મહારેરા પોર્ટલ પર પ્રોજેક્ટની નોંધણી થઈ છે કે નહીં એની ચકાસણી કર્યા વગર જેમને કમ્પ્લિશન સર્ટિફિકેટ મળ્યું ન હોય એવા ફ્લૅટ કે અન્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના વેચાણના એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન કરવા નહીં.
ગવર્ન્મેન્ટ રિઝોલ્યુશન (જીઆર)માં રેરાની સેક્શન-3ની જોગવાઈનું પુનરાવર્તન કરાયું છે, જેના અંતર્ગત ડેવલપર અને પ્રમોટરને તેમના બંધાઈ રહેલા પ્રોજેક્ટના પ્લાનિંગને રાજ્યના રેરા અૉથોરિટીમાં રજિસ્ટર કરાવ્યા વિના માર્કેટિંગ, એડ્વર્ટાઇઝિંગ, બુકિંગ, વેચાણ જેવી બાબતો પર નિયંત્રણ મુકાયું છે.
રેરાની સેક્શન-3 એવા તમામ પ્રોજેક્ટને લાગુ પડે છે જેમને કમેન્સમેન્ટ સર્ટિફિકેટની સાથે પ્લાનિંગ અૉથોરિટી દ્વારા કાયદેસર મંજૂરી મળી હોય પણ કમ્પ્લિશન સર્ટિફિકેટ મળ્યું ન હોય. એક ડગલું આગળ વધીને સરકારે આ જીઆરમાં જોગવાઈ કરી છે કે કોઈ અનૈતિક ડેવલપર મહારેરામાં પ્રોજેક્ટ રજિસ્ટર છે કે નહીં એની ચકાસણી કર્યા વગર કોઈ પણ એગ્રીમેન્ટની નોંધણી કરાવી શકે નહીં.
કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટિવિસ્ટ શિરીન દેશપાંડે જેઓ મુંબઈ ગ્રાહક પંચાયતના અધ્યક્ષ પણ છે તેમણે નવા જીઆરને આવકારવાની સાથે જણાવ્યું કે પ્રશાસને 1 મે, 2017માં રેરા અમલમાં આવ્યો ત્યારે જ આની જાહેરાત કરવી જોઈતી હતી, કારણ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ડેવલપર બુકિંગ શરૂ કરતા હતા.
રેરાની સેક્શન-4 મુજબ પ્રોજેક્ટને મહારેરામાં રજિસ્ટર કરાવતી વખતે બિલ્ડિંગ પરમિશન અને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer