આતંકવાદ સામે અંત સુધી લડવા ભારત-અમેરિકા પ્રતિબદ્ધ

આતંકવાદ સામે અંત સુધી લડવા ભારત-અમેરિકા પ્રતિબદ્ધ
હ્યુસ્ટન, તા. 23 : `હાઉડી મોદી' કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંનેએ એકસૂરમાં જણાવ્યું હતું કે અમારી જંગ આતંકવાદ સામેની છે અને આખર સુધી આ જંગ ચાલુ રહેશે.
કાર્યક્રમના સ્થળે ટ્રમ્પના આગમન પછી અમેરિકાના અને ભારતના રાષ્ટ્રગીત ગાવામાં આવ્યાં હતાં. મોદીએ વક્તવ્યની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઓળખ આપતાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના પ્રમુખપદે બિરાજ્યા તે પહેલાંથી ખૂબ જ લોકપ્રિય છે. હું તેમને નેતૃત્વની સમજ, અમેરિકનોની કાળજી અને અમેરિકનો માટે પેશન (લાગણી) માટે વખાણું છું. `અબ કી બાર ટ્રમ્પ સરકાર'ની હાકલ કરતાં મોદીએ ઉમેર્યું હતું કે હું તેમને કેટલીક વાર જ મળ્યો છું, પણ તેઓ હંમેશાં ઉત્સાહી અને ઉષ્માભર્યા હોય છે.
વિશ્વના કરોડો લોકો આ સ્થળે સર્જાતો ઇતિહાસ જોઈ રહ્યા છે. ટ્રમ્પે વર્ષ 2017માં તેમના પરિવાર સાથે ઓળખાણ કરાવી હતી. આજે હું તમને અબજો ભારતીયોના પરિવાર સાથે પરિચય કરાવી રહ્યો છું, એમ મોદીએ ઉમેર્યું હતું.
અમેરિકાના ટેકસાસ રાજ્યમાં હ્યુસ્ટન ખાતે એનઆરજી સ્ટેડિયમમાં યોજાયેલા `હાઉડી મોદી' કાર્યક્રમના મંચ ઉપર લગાડેલા બેનરમાં `શૅર્ડ ડ્રીમ્સ, બ્રાઈટ ફયુચર્સ' લખવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા ત્યારે મંચ ઉપર ઉપસ્થિત અમેરિકાની સંસદના ટોચના સભ્યોએ તેમને આવકાર્યા હતા. મોદીને `કી ટુ હ્યુસ્ટન' વડે નવાજવામાં આવ્યા હતા. મેરી લેન્ડના સાંસદ સ્ટોની હોયરે પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મને 150 વર્ષ થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમના પાડોશી મનોજ શાહ અને ઈલા શાહ તેમ જ ભારત-ગુજરાતની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.
ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારમાં માત્ર ટેકસાસનો હિસ્સો દસ ટકા છે. તેથી ટેકસાસ રાજ્યને આ દૃષ્ટિએ મહત્ત્વનું માનવામાં આવે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ભારત માટે અસાધારણ કામગીરી બજાવી રહ્યા છે. થોડા માસ પહેલાં 60 કરોડ લોકોએ તેમને ભરપૂર બહુમતીથી ચૂંટી કાઢયા તે બદલ અભિનંદન આપું છું. તેમના જન્મદિન નિમિત્તે અભિનંદન આપું છું. ભારતીયોએ બન્ને દેશોના બંધારણો `વી ધ પીપલ'ના શબ્દથી શરૂ થાય છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો ક્યારેય નહોતા તેના કરતાં વધારે સુદૃઢ છે. ભારતને મારા કરતા સારો મિત્ર મળ્યો નથી. ઇન્ડિયન-અમેરિકનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અમેરિકામાં બેકારી 51 વર્ષમાં સહુથી નીચલા સ્તરે છે.
મોદીના નેતૃત્વએ 30 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢયા છે. અમે અમેરિકામાં રોજગારીની તકો રોળી નાખતા કાયદા બદલ્યા છે. ઇન્ડિયન અમેરિકન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છે. ભારતમાં અમારી ક્રૂડની નિકાસ ચારસો ગણી વધી છે, જ્યારે એલએનજીની નિકાસ વિક્રમી સ્તરે પહોંચી છે. અમે અવકાશના સંશોધનના ક્ષેત્રે સહયોગ સાધી રહ્યા છે. આવતા મહિને એનબીએની મુંબઈમાં યોજાનારી બાસ્કેટ બૉલ મૅચ માટે ભારત જઈશ. અમેરિકા ઉગ્રવાદી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા કૃતનિશ્ચય છે. ભારત માટે સરહદની સલામતી શા માટે મહત્ત્વની છે તે અમે સમજીએ છીએ. નરેન્દ્ર મોદીએ હાઉડી ફ્રેન્ડસ સાથે હિન્દીમાં સંબોધન શરૂ કર્યું હતું.

Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer