આતંકવાદી પ્રવૃત્તિ બદલ પાકિસ્તાન `બ્લૅક લિસ્ટ''માં મુકાશે

આતંકવાદી પ્રવૃત્તિ બદલ પાકિસ્તાન `બ્લૅક લિસ્ટ''માં મુકાશે
નવી દિલ્હી, તા. 23 : ટેરર ફન્ડિંગ વિરુદ્ધ પગલાં લેવા ફાઈનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ ઈસ્લામાબાદને 27 મુદ્દાના ઍક્શન પ્લાનને અમલમાં મૂકવા જણાવ્યું હતું, પરંતુ પાકિસ્તાને એમાંથી માત્ર છ મુદ્દાને અમલમાં મૂક્યા છે. જો પાકિસ્તાનને એફએટીએફ દ્વારા બ્લૅક લિસ્ટેડ જાહેર કરાય તો આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ મળતું બંધ થઈ શકે છે.
પાકિસ્તાન હાલ એફએટીએફની ગ્રે યાદીમાં છે અને આવતા મહિને પેરિસમાં મળનારી ફાઈનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની મિટિંગમાં આખરી નિર્ણય લેવામાં આવશે.
એફએટીએફનો મૂળ ઉદ્દેશ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સિસ્ટમમાં મની લોન્ડરિંગ, ટેરરિસ્ટ ફાઈનાન્સિંગ તથા અન્ય જોખમી પરિબળોના પ્રતિકારની સાથે સિસ્ટમનો અસરકારક અમલ અને ધારાધોરણ જાળવવાનો છે.
એફએટીએફના ઍક્શન પ્લાનને પાકિસ્તાન દ્વારા અમલમાં મુકાય છે કે નહીં એનું નિરીક્ષણ કરતા સૂત્રએ જણાવ્યું કે પાકિસ્તાને એના વિસ્તારના યુનાઈટેડ નેશન દ્વારા નામનિર્દેશ કરાયેલા સો કરતાં વધુ આતંકવાદીઓમાંથી માત્ર પાંચ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા, ફ્લાહ-ઈ-ઇન્સાનિયતના બોસ હાફિઝ મોહંમદ સઈદનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનથી મળતા અહેવાલ મુજબ ટેરર ફાઈનાન્સિંગ માટે મદરેસા, દવાખાનાંઓ મળી 900થી વધુ મિલકત જપ્ત કરાઈ છે. જપ્ત કરાયેલી મિલકતોમાંથી 750 જેટલી મિલકતો કથિતપણે ફલાહ-ઈ-ઈન્સાનિયત સાથે સંકળાયેલી છે, તો 150 જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ છે.
જોકે, જપ્ત કરાયેલ મિલકત પાછળ કોનો હાથ છે એ પાકિસ્તાન શોધી શક્યું નથી કે એના માલિકો સામે કોઈ ગુનો નોંધ્યો નથી. એટલું જ નહીં, જપ્ત કરાયેલી મિલકતમાં હથિયારો-વિસ્ફોટકો મળ્યાં નથી કે આતંકવાદી પ્રવૃત્તિ થઈ હોય કે ત્રાસવાદીઓના ટ્રેનિંગ કેમ્પ ચાલતા હોય એવું જણાયું નથી.
એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ કાળી યાદીમાં નામ ન આવે એ માટે 27 મુદ્દાનો એન્ટિ ટેરર ફાઈનાન્સિંગ પ્લાન અમલમાં મૂકવા જણાવ્યાના એક વરસ બાદ જુલાઈ મહિનામાં ટેરર ફન્ડિંગના 23 કેસ નોંધાયા હતા. આ કેસોમાં 65 જેટલા ઍક્ટિવ આતંકવાદીઓનાં નામ સામેલ હતાં.
પાકિસ્તાનને આ મુદ્દે કાર્યવાહી કરવા પંદર મહિનાની મહેતલ આપવામાં આવી હતી. હવે અૉક્ટોબર મહિનામાં એફએટીએફની યોજાનારી મિટિંગમાં પાકિસ્તાનને ગ્રે યાદીમાં રાખવું એ અંગે નિર્ણય લેશે.
 
 
હાફિઝ સામે ચાર્જશીટ દાખલ
નવી દિલ્હી, તા. 23 : લશ્કર-એ-તૈયબાના ચીફ અને 26/11ના મુખ્ય આરોપી હાફિઝ મોહમ્મદ સઈદ વિરુદ્ધ ગુજરાતવાળા કોર્ટમાં ટેરર ફાઈનાન્સિંગ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. ઉપરાંત આવા જ ચાર કેસમાં એનું નામ સામેલ છે.
સઈદ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માગણી ભારત દ્વારા સતત કરવામાં આવી રહી હતી, પરંતુ એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ગ્રે યાદીમાં મુકાયા બાદ પાક પ્રશાસન પર દબાણ વધતાં એક કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જોકે, ભારતીય એજન્સી લશ્કરના વડા હાફિઝ વિરુદ્ધ અન્ય ચાર કેસમાં પણ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવે એની રાહ જોઈ રહી છે. ટેરર ફન્ડિંગ પ્રવૃત્તિમાં સંકળાયેલા અન્યો વિરુદ્ધ ગુજરાતવાળા, મુલ્તાન અને લાહોરમાં નોંધાયેલા કેસમાં સઈદનું નામ પણ સામેલ કરવું જોઈએ. મળતી જાણકારી મુજબ સઈદ વિરુદ્ધ પાકિસ્તાનના એન્ટિ ટેરરિસ્ટ ઍક્ટ 1997ની કલમ 11 લાગુ કરવાની જોગવાઈ કરવા જણાવાયું છે. જોકે, સઈદ વિરુદ્ધ જે કેસ નોંધાયા છે એ ભારતમાં કરાયેલા આતંકવાદી હુમલા ઉપરાંત વૈશ્વિક સ્તરે લશ્કરે વિકસાવેલા સંબંધો જેવા ગંભીર મુદ્દા સામે સાવ હળવા કહી શકાય.

Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer