અંધેરીમાં ભાજપના મૂરજી પટેલની બગાવત

ભાજપ-સેનાને અંધેરી, ઘાટકોપર, બાન્દ્રા  અને વરસોવામાં બળવાખોરોનો પડકાર
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 8 : મુંબઈમાં ભાજપ-શિવસેના યુતિનું પલ્લું ભારે છે. આમ છતાં વિધાનસભાની અંધેરી, વરસોવા, બાન્દ્રા (પૂર્વ) અને ઘાટકોપરની બેઠકો ઉપર બળવાખોર ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝુકાવતા યુતિને આ મતવિસ્તારોમાં વિજય માટે ભારે જહેમત ઉઠાવવી પડી શકે એમ છે.
અંધેરી (પૂર્વ)ની બેઠક ઉપર શિવસેનાના ઉમેદવાર રમેશ લટકે વિરુદ્ધ ભાજપના ભૂતપૂર્વ નગરસેવક મૂરજી પટેલે બળવો કર્યો છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મૂરજી પટેલ અને તેમનાં પત્ની કેસરબેન પટેલ નગરસેવક છે. મૂરજીભાઈનો વૉર્ડ આજ વિધાનસભા ક્ષેત્રમાં હતો. મૂરજી પટેલે `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે અંધેરી (પૂર્વ)માં ટ્રાફિક સહિત અનેક સમસ્યાઓ છે. તેના ઉકેલ માટે ગત પાંચ વર્ષમાં ખાસ કામ થયું નથી. ટ્રાફિક જામની સમસ્યા હલ કવા ડી. પી. રોડને પહોળો કરવા હું કામ કરીશ. પ્રત્યેક ઘર કે ઝૂંપડાંમાં પાણી અને પ્રત્યેક હાઉસિંગ સોસાયટીમાં સીસીટીવી - એલઈડી લાઈટ્સ આપવા માટે પ્રયત્ન કરીશ. મારા અંધેરી (પૂ.) મતવિસ્તારમાં ગુજરાતી-રાજસ્થાની મતદારોની સંખ્યા 37,000 છે. આમ છતાં મને સમાજના બધા વર્ગોનો ટેકો મળશે એમ મૂરજી પટેલે ઉમેર્યું હતું. મૂરજી પટેલ કચ્છમાં ભચાઉ તાલુકાના આધોઈ ગામના વતની છે.
બાન્દ્રા (પૂર્વ) વિધાનસભા ક્ષેત્રમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેનું `માતોશ્રી' નિવાસસ્થાન છે. ત્યાં શિવસેનાએ મેયર વિશ્વનાથ મહાડેશ્વરને ઉમેદવારી આપી છે. આ બેઠક ઉપર શિવસેનાના વર્તમાન વિધાનસભ્ય તૃપ્તિ સાવંતે બળવો કર્યો છે. `માતોશ્રી'ના આંગણે જ બળવાખોરી થઈ છે. તેમના પતિ સ્વ. પ્રકાશ બાળા સાવંત અૉક્ટોબર, 2014માં વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમના અવસાન બાદ થયેલી પેટાચૂંટણીમાં તૃપ્તિ સાવંત વિજયી નીવડયાં હતાં.
ઘાટકોપર (પશ્ચિમ)માં ભાજપના વર્તમાન વિધાનસભ્ય રામ કદમ સામે શિવસેનાના સંજય ભાલેરાવે બળવો કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. થોડા સમય પહેલાં મનસેના છ નગરસેવકો શિવસેનામાં સામેલ થયા હતા. તેમાં તેમનાં પત્ની ડૉ. અર્ચના ભાલેરાવનો પણ સમાવેશ થતો હતો. સંજય ભાલેરાવને કારણે રામ કદમની મુશ્કેલીઓ વધી શકે છે.
વરસોવામાં ભાજપના વર્તમાન વિધાનસભ્ય ડૉ. ભારતી લવેકર સામે પાલિકામાં ચાર વખત ચૂંટાયેલા શિવસેનાનાં નગરસેવિકા રાજુલ પટેલે બગાવત કરી છે. તેઓ પોતાના મતવિસ્તારમાં સારો જનસંપર્ક ધરાવે છે. તેથી ડૉ. લવેકરને વિજય માટે વધુ જહેમત ઉઠાવવી પડી શકે છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer