કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીને બતાવ્યો ઠેંગો

જિનપિંગની ભારત યાત્રા પહેલાં બીજિંગના પ્રવાસે ધસી ગયેલા ઈમરાનને નીચાજોણું: ચીને કહ્યું, દ્વિપક્ષી મામલો સંવાદથી ઉકેલો
બીજિંગ, તા. 8 : ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની યાત્રાએ આવે તે પૂર્વે જ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને તેનાં સદાબહાર દોસ્ત દેશ ચીને ઠેંગો બતાવી દીધો છે. અત્યાર સુધી ચીન કાશ્મીર વિવાદનો સંયુક્તરાષ્ટ્ર ઘોષણાપત્ર, સુરક્ષા પરિષદનાં ઠરાવો અને દ્વિપક્ષી કરારો અનુસાર જ ઉકેલ આવવો જોઈએ તેવો દુરાગ્રહ વ્યક્ત કરતું આવ્યું છે પણ હવે તેણે કહી દીધું છે કે આ મામલો બન્ને દેશે સંવાદ અને મસલતોથી દ્વિપક્ષી રાહે ઉકેલવો જોઈએ.
સમગ્ર વિશ્વમાં કોઈએ પણ કાશ્મીર મામલે હાથ ન ઝાલ્યા બાદ પાક.નાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન ફરી એકવાર ચીન દોડી ગયા છે અને જિનપિંગની ભારત યાત્રા પહેલા તેમની કાન ભંભેરણી કરવાનાં પ્રયાસો પણ કરશે. જો કે ઈમરાનની આ કારી ફાવી નથી. કારણ કે ઈમરાન ચીનમાં મોજૂદ છે તેવા ટાણે જ ચીને સ્પષ્ટ કરી દીધું છે કે આ દ્વિપક્ષી બાબત છે.
ઈમરાન આ મુલાકાતમાં જિનપિંગ અને પ્રધાનમંત્રી લી કેક્વીઆંગ સહિતનાં શીર્ષસ્થ ચીની નેતૃત્વને મળવાનાં છે. આ વર્ષમાં ઈમરાનનો આ ત્રીજો ચીન પ્રવાસ છે. પાક.નાં સૈન્યપ્રમુખ જનરલ કમાર જાવેદ બાજવા પણ ચીની સેનામાં પોતાનાં સમકક્ષો સાથે ઉચ્ચસ્તરીય બેઠકો કરવાનાં છે. 
જો કે આ વાટાઘાટોમાં કાશ્મીર મામલાની ચર્ચા કરવામાં આવી રહી છે કે નહીં તેવા સવાલનો જવાબ આપતાં ચીનનાં વિદેશ ખાતાનાં પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે, આ વિવાદમાં બીજિંગનું વલણ સાતત્યપૂર્ણ છે. ચીન દ્વારા ભારત અને પાક. બન્નેને કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીર મામલાનો વાટાઘાટ અને પારસ્પરિક વિશ્વાસથી ઉકેલ લાવવો જોઈએ. જે બન્ને રાષ્ટ્ર અને દુનિયાની મહત્વાકાંક્ષાઓને અનુરૂપ છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer