ગુજરાતમાં દારૂબંધી મુદ્દે રાજકારણ ગરમાયું

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે રાજકારણ ગરમાયું
શંકરસિંહ વાઘેલાએ કહ્યું, મુખ્ય પ્રધાન અને રાજ્યપાલના બંગલા પાછળ જ ધમધમે છે દારૂની ભઠ્ઠીઓ!
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.8: રાજસ્ રાજસ્થાનના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપતા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ભારે આક્રોશ સાથે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને આ અંગે કોંગ્રેસ માફી માંગે તેવી માંગણી કરી હતી. તેમણે રાજસ્થાન સરકારને રાજસ્થાનમાં દારૂબંદીના કાયદાનો અમલ કરવાની ચેલેન્જ આપી હતી. મુખ્યપ્રધાન રૂપાણીના નિવેદન પછી ઁ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી અંગે આક્રમક પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો હતો કે, રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યપાલના બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે ત્યારે સરકાર ગુજરાતમા ંદારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું. શંકરસિંહે વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં 70 ટકા લોકો નોનવેજ ખાય છે અને દારૂ પણ પીવે છે, તો ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે હોઇ શકે?
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, માફી તો રૂપાણી માગે, દારૂબંધીના કડક કાયદાનો અમલ નથી કરાવી શકતા અને ફાંકાફોજદારી  મારે છે. આ ગાંધીનું ગુજરાત છે. રૂપાણી પોતાની નિષ્ફળતા સ્વીકારે, આ જનતાનું નહીં આ તમારું અપમાન છે. 100 ટકા રાજસ્થાન સરકારની વાત સાચી છે. શુદ્ધ પાણી કરતા તો શુદ્ધ દારૂ ગુજરાતની ગલીએ ગલીએ વેચાય છે. 
શંકરસિંહ બાપુએ વધુમાં જણાવ્યુ ંકે, અશોક ગેહલોતે શાબ્દિક રીતે કંઇ કહ્યું હશે પરંતુ રાજ્યનો એક કિલોમીટર એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પોટલી  મળતી ન હોય . હું ગાંધીનગરમાં રહું છે.  જો રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના બંગલાની પાછળ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તો દારૂબંધી કેવી? શરમ છે સરકારને અને દારૂબંધીને. સરકારે દારૂબંધી પર ફરી વિચારણા કરવી જોઇએ. આ દારૂબંધી રાખો કે દારૂબંધી કાઢો. આ બધી ડ્રામાબાજી આપણી જાતને છેતરવાની વૃત્તિ છે. 
સેશિયલ મિડીયામાં તો ત્યાં સુધી લોકોએ કહ્યું છે કે, ભાજપે ગુજરાતમાં માત્ર ને માત્ર દારૂ વેચવા અને પીવામાં જ વિકાસ કર્યો છે. ગુજરાતનો વિકાસ હવે દારૂડીયો થયોછે. રૂપાણી જાહેરમાં સામે આવીને કહી દે કે ગુજરાતમાંથી દારૂની બોટલ પકડાશે તો હું પુરા કેબિનેટ પ્રધાનો સાથે આત્મવિલોપન કરીશ તો હમણાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. 
 રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતો ગઇકાલે કહ્યુ ંહતુ ંકે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ તેને અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે- ઘરે દારૂ પીવાય છે. જે બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. 
રાજસ્થાનના મુખ્યપ્રધાન ગેહલોતના નિવેદન બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યં હતું કે, એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કોંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કોંગ્રેસીઓના જીભ અને મગજના જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યું છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. અશોક ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ દારૂબંધીના સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે તે જણાવે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer