ઉદ્ધવ ઠાકરેએ કર્યો વચનોનો વરસાદ

ઉદ્ધવ ઠાકરેએ કર્યો વચનોનો વરસાદ
દસ રૂપિયાની થાળી, 300 યુનિટ સુધીના વીજદરમાં 30 ટકાની કપાત અને એક રૂપિયામાં પેથોલૉજિકલ ટેસ્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : દેશમાં સમાન નાગરી ધારો લાવવો જોઈએ. અમારો પક્ષ સત્તા ઉપર આવશે પછી આખા મહારાષ્ટ્રમાં દસ રૂપિયામાં ભોજન, 300 યુનિટ સુધી વીજદર 30 ટકા જેટલું ઘટાડશું અને સુદૃઢ મહારાષ્ટ્ર ઘડવા માટે ગામડાંમાં એક રૂપિયામાં તબીબી નિદાનની સુવિધા ઊભી કરશું, એમ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
દશેરા નિમિત્તે શિવસેના દ્વારા યોજવામાં આવેલી 54મી રૅલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અયોધ્યામાં શ્રીરામ મંદિર અંગેના કેસનો ચુકાદો મહિનામાં આવવાનો છે. અન્યથા અમારી માગણી છે કે વિશેષ કાયદો કરીને શ્રીરામ મંદિર બાંધો. જનતાને અમે જે વચન આપ્યું છે તે પાળીએ છીએ. તેથી અમારે શ્રીરામ મંદિર બાંધવું છે. સત્તા મેળવવા માટે મંદિર બાંધવું છે. આ દેશની માગણી છે. સત્તાની લાલચથી વશ થઈને અમે ભાજપ સાથે યુતિ કરી નથી. યુતિ કરવા માટે શિવસેના ઝુકી નથી, પણ અમે ભાજપની મુશ્કેલીઓ સમજ્યા છીએ. આ મહિનામાં બે વિજયા દશમી છે એક આજે છે અને બીજી 24મી અૉક્ટોબરે છે. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી એક થાય તેનો વાંધો નહીં, પણ તેઓનો નેતા કોણ હશે? રાષ્ટ્રવાદીના નેતા અજિત પવારના આંખમાં અશ્રુ આશ્ચર્ય છે. બંધમાં પાણી ન હોત તો તેમણે શું ર્ક્યું હોત તે તમે બધા જાણો છો. રાષ્ટ્રવાદીના વડા શરદ પવારે લડત આપી તેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ડરી ગયું એમ કહેવાય છે, પરંતુ મહારાષ્ટ્રમાં વેરનું રાજકારણ ચાલતું નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કાર્યવાહી કરે ત્યારે બધાને બદલાનું રાજકારણ લાગે છે. શિવસેના પ્રમુખ બાળ ઠાકરે વિરુદ્ધ વર્ષ 2000માં ખટલો દાખલ ર્ક્યો હતો. તેમનો ગુનો શું હતો? વર્ષ 1992-93માં સરકાર નબળી હતી તે સમયે તમારી મર્દાનગીને લીધે હિન્દુઓનો બચાવ થઈ શકયો હતો. ત્રિશંકુ વિધાનસભા આવે નહીં એ માટે અમે ભાજપ સાથે યુતિ કરી હતી. મેં કૉંગ્રેસની પાછળ ક્યારેય શક્તિ વાપરી નથી. શિવસેનાને અનેક મિત્રો મળી રહ્યા છે અને દેશને પ્રેમ કરનારા મુસ્લિમો પણ અમને મળે છે.
ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રવાસીઓને દસ રૂપિયામાં ભોજનની થાળી આપવાની અને 300 યુનિટ સુધી વીજળીનો દર 30 ટકા ઘટાડવાનું વચન મતદારોને આપ્યું છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer