વાયુસેના યાદ અપાવે છે વાયુપુત્રની મોદી

વાયુસેના યાદ અપાવે છે વાયુપુત્રની મોદી
રાવણદહન કરીને વડા પ્રધાને કહ્યું, આપણી અંદરના રાવણનો નાશ કરો
નવીદિલ્હી, તા.8: દેશની રાજધાની દિલ્હીનાં દ્વારકા સ્થિત ડીડીએ મેદાનમાં આયોજિત દશેરા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ તીર છોડીને રાવણનાં પૂતળાનું દહન કર્યુ હતું. દુષ્ટ ઉપર ઈષ્ટનાં વિજયનાં આ પર્વે મોદીએ દેશની જનતાને પોતાની અંદરનાં રાવણનો નાશ કરવામાં આવે તો જ આ ઉત્સવ ખરા અર્થમાં સાર્થક થશે તેવું કહ્યું હતું. આ તકે તેમણે મહિલા સન્માનની અપીલ કરવાં સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ ઉપર પૂર્ણ પ્રતિબંધ માટે સામુહિક યોગદાન આપવાની અપીલ પણ કરી હતી. તેમણે વાયુસેનાને સ્થાપના દિવસની શુભકામના પાઠવતા કહ્યું હતું કે, હવાઈદળનાં પરાક્રમો આપણને હનુમાનની યાદ અપાવી જાય છે.
વિજયાદશમીએ પરંપરાગત રામલીલાનાં કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રીરામનું પૂજન કર્યા બાદ કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, ભારત ઉત્સવોની ધરતી છે. અહીં ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જ્યારે તહેવાર ન હોય. ઉત્સવો આપણને જોડે છે. વાળે પણ છે. તે આપણને નવા સ્વપ્નો સેવવા સામર્થ્ય પણ આપે છે. ઉત્સવો આપણાં સામાજિક જીવનનું પ્રાણતત્વ છે. 
તેમણે આગળ કહ્યું હતું કે, માતાની ઉપાસના કરતાં આ દેશમાં બેટીનું સન્માન, ગૌરવ અને ગરિમાની રક્ષા થવી જોઈએ. આ સંકલ્પ કરવો આપણું કર્તવ્ય છે. દિવાળીએ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે અને પ્રત્યેક મહિલામાં લક્ષ્મીનાં દર્શન કરવાં જરૂરી છે. આ ઉપરાંત મોદીએ વાયુસેનાને પણ તેનાં સ્થાપના દિવસનાં અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું કે, વાયુસેના જે પ્રકારે પરાક્રમની નવી ઉંચાઈઓ સર કરે છે તે આપણને હનુમાનની યાદ અપાવે છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer