દાણચોરી : હીરાનો કીમતી નેકલેસ પકડાયો

મુંબઈ, તા. 9 : કસ્ટમ્સ અધિકારીઓએ સોમવારે બિહારના પટનાની એક વ્યક્તિની બેહરીનથી રૂા. 1.85 કરોડનો નેકલેસ દાણચોરીથી લાવવા પ્રકરણે ધરપકડ કરી હતી. કસ્ટમ્સની ઍરઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)એ કસ્ટમ્સ ઍક્ટ હેઠળ મોહમ્મદ નવાબ આલમને પકડયો છે. આલમ આમ તો પટનાનો છે અને તેનો પાસપોર્ટ બેહરીનના મનમાનો છે.
અધિકારીઓએ આલમ જ્યારે મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર ઊતર્યો ત્યારે એને ગ્રીન ચેનલમાંથી નીકળતી વેળા તેની અટકાયત કરી હતી. અધિકારીઓએ તેના સામાનની તપાસણી કરી હતી ત્યારે તેઓને તેની બેગેજમાંથી હીરાજડિત નેકલેસ અને એરિંગ્સ મળી આવ્યા હતા. આ નેકલેસ ટીસ્યૂમાં વીંટાળેલો હતો અને પેન્ટના ખિસ્સામાં મૂકેલો હતો. આ દાગીનાઓની તપાસણી કર્યા પછી તે 18 કૅરેટના વ્હાઈટ ગોલ્ડમાં જડેલી માલૂમ પડી હતી. હીરાના નેકલેસની કિંમત રૂા. 1.85 કરોડ હોવાનું જણાયું હતું.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer