કલસ્ટર ડેવલપમૅન્ટમાં જોડાવા હાઉસિંગ સોસાયટીને ફરજ પાડી શકાય નહીં : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 9 : કૉ-અૉપરેટીવ હાઉસિંગ સોસાયટીની મંજૂરી વિના કલસ્ટર ડેવલપમૅન્ટ પ્રોજેક્ટમાં જોડાવા જબરદસ્તી કરી શકાય નહીં, એમ બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું.
જસ્ટિસ એસ. સી. ધર્માધિકારી અને જસ્ટિસ ગૌતમ પટેલની બેન્ચે જણાવ્યું હતું કે કો-અૉપરેટિવ હાઉસિંગ સોસાયટીનું કોઈ પણ પ્રકારનું ડેવલપમૅન્ટ પછી એ ડેવલપમૅન્ટ રી-ડેવલપમૅન્ટ હોય કે કલસ્ટર ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ હોય તો પણ નોટિસ આપ્યા વગર અને સોસાયટીની બાજુ સાંભળ્યા વગર પરવાનગી યોગ્ય નથી. એ સાથે કોર્ટે જણાવ્યું હતું કે સોસાયટીની જનરલ બોડી મિટિંગમાં કોઈ પણ પ્રકારના ડેવલપમૅન્ટ માટેની સંમતિ મળી હોવી જોઈએ.
થાણેની જવાહર જ્યોતિ કો.અૉ. હાઉસિંગ સોસાયટીએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિસેમ્બર, 2018ના ખરડાને પડકારતી અરજીની સુનાવણી થઈ રહી હતી. કલસ્ટર ડેવલપમૅન્ટ પ્રોજેક્ટના ખરડામાં અરજદારની મિલકતનો પણ સમાવેશ કરાયો હતો. જોકે, પાલિકાએ પ્રસિદ્ધ કરેલા 44 અર્બન રિન્યુઅલ પ્રોજેક્ટમાં સોસાયટીનું નામ જોવા મળતું નથી.
અરજદાર સોસાયટીએ દલીલ કરી હતી કે બાજુમાં આવેલી બે હાઉસિંગ સોસાયટી જેમના નામો પ્રોજેક્ટમાં સામેલ છે એ રાજતારા કો.અૉ.હા. સોસાયટી અને ગારોડિયા કો.અૉ.હા. સોસાયટીએ કરેલા સૂચનને પગલે એનું નામ સામેલ કરાયું છે. સોસાયટીનાં વકીલ નીતા કર્ણિકે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે અરજદારનું નામ જબરજસ્તી સામેલ કરવાની સોસાયટીના તેમની મિલકત પરના માલિકી હક પર તરાપ મારવા જેવું છે. આના જવાબમાં પાલિકાના વકીલે જણાવ્યું હતું કે સોસાયટીનું નામ બાજુની સોસાયટીની ભલામણથી સામેલ કરાયું હતું. એ સાથે ઉમેર્યું હતું કે જો અરજદાર સોસાયટી સ્કીમમાં સામેલ થયા વગર તેમની રીતે ડેવલપ કરી શકે છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer