દશેરાએ જણાઈ અૉક્ટોબર હિટની અસર

દશેરાએ જણાઈ અૉક્ટોબર હિટની અસર
મુંબઈ, તા. 9 : દશેરાની રજા હોવા છતાં આકરા તાપને કારણે મુંબઈગરાઓએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. મંગળવારે સાંતાક્રુઝ ખાતે મહત્તમ તાપમાન 34 અંશ સેલ્શિયસ નોંધાયું હતું. છેલ્લા બે દિવસ કરતાં મંગળવારે બફારો વધુ જણાયો હતો એટલે હવે ખરી અૉક્ટોબર હિટ શરૂ થઈ હોવાનું અને ચોમાસું વિદાય લઈ રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. રાજ્યમાં મુંબઈમાં સૌથી વધુ તાપમાન મંગળવારે નોંધાયું હતું.
વાયવ્ય ભારતથી આગામી બે દિવસમાં મોનસૂન પાછા ફરવાની શરૂઆત કરશે, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. મુંબઈમાં અચાનક તાપમાનમાં વધારો નોંધાયો હોવા છતાં મુંબઈમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.
માત્ર આર્દ્રતામાં ધીમેધીમે ઘટાડો જોવા મળે છે. બદલાતા વાતાવરણને પગલે સાંતાક્રુઝ ખાતે મહત્તમ તાપમાન સરેરાશ કરતાં 1.3 અંશ વધુ એટલે કે 34 ડિગ્રી હતું, તો કોલાબા ખાતે ન્યૂનતમ તાપમાન 26.5 અંશ સેલ્શિયસ નોંધાયું હતું.
મંગળવારે સવારે મહત્તમ તાપમાન સરેરાશ કરતાં 1.3 અંશ વધુ નોંધાયું હતું. સાંતાક્રુઝ ખાતે પણ ન્યૂનતમ તાપમાન 24.5 અંશ સેલ્શિયસ પર પહોંચ્યું હતું. દક્ષિણ કેરળથી મધ્ય મહારાષ્ટ્રમાં પવનની અનુપસ્થિતિને કારણે વાતાવરણમાં આ ફેરફાર જણાઈ રહ્યું છે.
પ્રાદેશિક હવામાન વિભાગે પાલઘર, થાણે, મુંબઈ ખાતે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે, તો રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ ખાતે વીજળી સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવાની સામે અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડે એવી શક્યતા હોવાનું જણાવ્યું છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer