2021થી જી-મેઇનમાંથી ગુજરાતીને બાકાત કરાશે

નવી દિલ્હી, તા. 7 : આઈઆઈટીમાં બીટેક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવાની જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામિનેશન (મેઇન) 2021થી ગુજરાતીને પડતી મૂકશે અને વિદ્યાર્થીઓને માત્ર હિન્દી કે અંગ્રેજીમાં ટેસ્ટ આપવાનું જણાવશે.
જેઈઈ-મેઇનની સલાહકાર સમિતિએ જાન્યુઆરી 2021થી પ્રશ્નપત્રો માટેના માધ્યમ તરીકે ગુજરાતીને પડતી મૂકવાનો નિર્ણય કર્યો છે. પ્રશ્નપત્રો માત્ર અંગ્રેજી અને હિન્દીમાં જ ઉપલબ્ધ કરાશે. એમ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના એક અધિકારીએ જણાવ્યું હતું.
એનટીએએ 2019માં સીબીએસઈ પાસેથી હવાલો લઈને પરીક્ષાઓ યોજવાનું શરૂ કર્યું છે.
યુપીએ સરકારે 2013માં તમામ એન્જિનિયરિંગ કૉલેજો માટે એડમિશન મેળવવા જી-મેઇનને એક માત્ર એન્ટ્રેન્સ ટેસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોએ પોતાના રાજ્ય કક્ષાની એન્ટ્રન્સ પરીક્ષાઓ બંધ કરીને જી-મેઇનને અપનાવી હતી. આ રાજ્યોના વિદ્યાર્થીઓને મદદ કરવા સીબીએસઈએ પરીક્ષાના માધ્યમમાં 2014માં ઉર્દૂ, મરાઠી અને ગુજરાતીનો સમાવેશ કર્યો હતો. 2016માં સીબીએસઈએ ઉર્દૂ અને મરાઠીને પડતી મૂકી હતી અને ગુજરાતીને ચાલુ રાખી હતી.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer