ભાજપ તોડફોડ ન કરે એ માટે શિવસેનાએ એના વિધાનસભ્યોને હૉટેલમાં શિફ્ટ કર્યા

ઉદ્ધવ ઠાકરે કહે છે, હું યુતિ તોડવાની તરફેણમાં નથી,
અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ પહેલા કે પછી મળે એ કોઈ મુદ્દો નથી
મુંબઈ, તા. 7 (પીટીઆઈ): મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે બધી સત્તા પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આપવાનો નિર્ણય શિવસેનાના વિધાનસભ્યોએ લીધો છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે તેમના નિવાસસ્થાન `માતોશ્રી' ખાતે નવનિર્વાચિત વિધાનસભ્યોને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં વિધાનસભ્યોને મોબાઇલ ફોન લઈ જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ બેઠક પછી પક્ષના વિધાનસભ્ય શંભુરાજે દેસાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે પક્ષના વિધાનસભ્યોએ મહારાષ્ટ્રમાં સરકાર રચના અંગેની બધી સત્તા ઉદ્ધવ ઠાકરેને આપવાનો નિર્ણય લીધો હતો. વિધાનસભ્યો પક્ષ છોડે એવા ભયથી તેઓને દક્ષિણ મુંબઈની હૉટેલમાં રાખવામાં નહીં આવે.
વિધાનસભ્યોને સંબોધતા ઉદ્ધવે કહ્યું હતું કે હું મહાયુતિને તોડવા નથી માગતો હું માત્ર એટલું જ ઇચ્છું છું કે લોકસભાની ચૂંટણી પહેલા બન્ને પક્ષ વચ્ચે જે સમજૂતી થઈ હતી એનું પાલન કરવામાં આવે. ઉદ્ધવની વિધાનસભ્યો સાથેની મિટિંગ આશરે એક કલાક ચાલી હતી. જો એ સમજૂતીનું પાલન કરવા માંગતા હોય તો જ મને ફોન કરે.  હું યુતિ તોડવાની તરફેણમાં નથી, અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ પહેલા કે પછી મળે એ કોઈ મુદ્દો નથી. હું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશ. ભાજપના નાના સાથી પક્ષોએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લઇને સરકાર રચવામાં વિલંબ બદલ શિવસેનાએ તેઓની ટીકા કરી છે. શિવસેનાના મુખપત્ર `સામના'માંના તંત્રી લેખમાં જણાવવામાં આવ્યું છે કે નાના સાથી પક્ષોના પાસે વિધાનસભ્યો નથી. આમછતાં તેઓને નવી સરકારમાં પોતાના હોદ્દાની ચિંતા છે. કેટલાંક પરિબળો વિધાનસભ્યોને નાણાંની લાલચ આપી રહ્યા છે. મહારાષ્ટ્રવાસીઓ આગામી મુખ્ય પ્રધાન શિવસેનાનો હોય એમ ઇચ્છે છે. આ નેતાઓએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં સરકારની રચના વિશે ચિંતા વ્યક્ત કરી હતી. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer