સરકાર રચવાની પ્રક્રિયા વિલંબમાં મૂકીને ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવા માગે છે : સંજય રાઉતનો આક્ષેપ

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પ્રક્રિયા વિલંબમાં મૂકીને ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહી હોવાનો આક્ષેપ શિવસેનાના નેતા સંજય રાઉતે કર્યો છે. 
ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીમાં શિવસેનાના નવાં ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાઉતે કહ્યું હતું કે ભાજપ એવું જાહેર કરે કે તે સરકાર રચવા અક્ષમ છે ત્યાર બાદ શિવસેના આગળનું પગલું ભરશે. રાજ્યના મુખ્ય પ્રધાન પદની સમાન વહેચણીની માગણી ફરીથી ઉઠાવતા રાઉતે કહ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન પદે તો શિવસૈનિક જ બિરાજશે અને શિવસેના કેટલા વિધાનસભ્યોનો ટેકો ધરાવે છે એ તો વિધાનસભામાં જ સૌને ખબર પડશે.
રાઉતે પ્રશ્ન કર્યો હતો કે આજે રાજ્યપાલને મળવા ગયેલા ભાજપના નેતાઓએ કેમ સરકાર રચવાનો દાવો ન કર્યો અને ખાલી હાથે પાછા ફર્યા? ખરેખર તો ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી પરિસ્થિતિ નિર્માણ કરી રહ્યો છે, કેમ તે તેની પાસે સરકાર રચવા જરૂરી વિધાનસભ્યોનો ટેકો જ નથી.
કોઈ વિધાનસભ્ય પાર્ટી ન બદલે એ માટે શિવસેનાના તમામ નવાં ચૂંટાયેલા વિધાનસભ્યોને બાંદ્રાની રંગશારદા હૉટેલમાં એક સાથે ઉતારો આપવામાં આવ્યો છે એવી શંકાને ઝાઝું મહત્ત્વ ન આપતા રાઉતે કહ્યું હતું કે તમામ વિધાનસભ્યોને મુંબઈમાં પોતાનું ઘર નથી તેથી પાર્ટીએ તેમને એક જ છત નીચે (હૉટેલમાં) રહેવાની સગવડ કરી આપી છે. રાઉતે કહ્યું હતું કે સરકાર રચવા માટેના શિવસેનાના વલણમાં કોઈ જ ફેરફાર નથી અને શિવસેનાના તમામ વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક શિવસૈનિક જેવા જ છે, એવા ભાજપના નેતા સુધીર મુનગંટ્ટીવારના વિધાનને વખોડતા રાઉતે કહ્યું હતું કે જો તમે એવું માનતા હો કે તમે શિવસૈનિક છો તો એ મુજબ વર્તન પણ કરવું જોઇએ. શિવસૈનિક જે શબ્દો બોલે (વચન આપે) એનું પાલન કરી બતાડે છે. અમારા માટે તો પ્રાણ જાયે પર વચન ન જાયે એ જ મંત્ર છે. ભાજપે એ દર્શાવી આપવું જોઇએ કે તેની પાસે 145 વિધાનસભ્યોનો ટેકો છે. ભાજપ જ્યારે એમ કહે કે જનાદેશ મહાયુતિ માટે છે તો પછી તેમણે યુતિ કરતી વખતે જે શરતો નક્કી કરવામાં આવી હતી તેનું પાલન કરવું જોઇએ. જનાદેશનો સિધો અર્થ જ એ છે કે શિવસેનાનો મુખ્ય પ્રધાન બનવો જોઇએ.      

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer