સાથી પાર્ટીના વિધાનસભ્યોને ફોડીને મહાયુતિને સરકાર રચવાનો નૈતિક અધિકાર ખરો ? : કૉંગ્રેસ

મુંબઈ, તા.7 (પીટીઆઇ) : ભાજપ વિધાનસભ્યોને તોડવાના પ્રયાસમાં હોવાનો ભય શિવસેનાને હોય તો પછી મહાયુતિને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો નૈતિક અધિકાર છે? એવો સવાલ કૉંગ્રેસે કર્યો છે. એનસીપીએ પણ દાવો કર્યો હતો કે પાર્ટી બદલવા માટે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોનો સંપર્ક કરાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના મહામંત્રી સચીન સાવંતે કહ્યું હતું કે ભાજપ અને શિવસેનાની મહાયુતિ છે અને શિવસેનાને જો ડર હોય કે ભાજપ તેના વિધાનસભ્યોને તોડવા માગે છે તો સૌને સમજાય છે કે ભાજપ કેટલો ભ્રષ્ટાચારી છે, સૌએ સાથે મળીને મહારાષ્ટ્રને ભાજપથી બચાવવું જોઇએ.  
શિવસેનાના વિધાનસભ્યોને બાંદરાની રંગશારદા હૉટેલમાં એક સાથે ઉતારો આપવામાં આવ્યો છે એનો ઉલ્લેખ કર્યા વગર સાવંતે પ્રશ્ન કર્યો હતો કે આવા સંજોગોમાં મહાયુતિને રાજ્યમાં સરકાર રચવાનો નૈતિક અધિકાર છે ખરો?
એનસીપીના નેતા જયંત પાટીલે પણ કોઇ પાર્ટીનું નામ લીધા વગર જ દાવો કર્યો હતો કે વિધાનસભ્યોને ખરીદવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ જો કોઇ વિધાનસભ્ય પાર્ટી બદલશે તો પેટા ચૂંટણીમાં તેને પરાસ્ત કરવા અન્ય તમામ પાર્ટીઓ એક સાથે લડશે. પાટીલે એમ પણ કહ્યું હતું કે અમારી પાર્ટીના કોઇ વિધાનસભ્ય પાર્ટી બદલે એમ નથી કેમ કે જવાના હતા એ ચૂંટણી પહેલાં ચાલ્યા ગયા. હવે જે ચૂંટાયા છે તે વિરોધપક્ષે બેસવા તૈયાર છે. 
ભાજપ સામે કટાક્ષ કરતાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાએ કહ્યું હતું કે મુંબઈ નજીક આવેલા ખંડાલા અને માથેરાન જેવા પર્યટન સ્થળોના રિસોર્ટ બુક થવા લાગશે, પરંતુ ભાજપ પાસે મની પાવર જોતાં એવું લાગે છે કે ભાજપ માલદિવ્સ, બહામાસ, બર્મ્યુડા કે પટાયા જેવા પર્યટન સ્થળો પર પસંદગી ઉતારશે. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer