પવાર કરાડથી મારતે ઘોડે મુંબઈ રવાના

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં અમને વિરોધ પક્ષે બેસવાનો જનાદેશ મળ્યો છે અને અમે એનું સન્માન કરીશું, એવી સ્પષ્ટતા સાથે ચાર દિવસની ખેડૂત સંવાદ યાત્રાએ નીકળી ગયેલા એનસીપીના અધ્યક્ષ શરદ પવાર આ યાત્રા ટૂંકાવીને કરાડથી તત્કાળ મુંબઈ પરત આવવા નીકળી ગયા તેનાથી અનેક રાજકીય અટકળો થઇ રહી છે. ભાજપ-શિવસેનાની યુતિમાં મહારાષ્ટ્રની સત્તાની ખેંચતાણ મડાગાંઠ બની ગઇ છે અને નવી સરકાર રચવા માટે હવે કલાકોની અવધિ જ બાકી રહી છે અને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ એનસીપી અને શરદ પવાર કેન્દ્રબિંદુ હોવાથી રાજકીય અટકળોને છુટ્ટો દોર મળ્યો છે.
બુધવારે પત્રકાર પરિષદમાં પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રનો જનાદેશ ભાજપ-શિવસેનાની યુતિને સત્તાનો મળ્યો હોવાથી યુતિએ સરકારની રચના કરવી જોઇએ. કૉંગ્રેસ અને એનસીપીને વિરોધ પક્ષે બેસવાનો જનાદેશ મળ્યો હોવાથી અમે એનું સન્માન કરીશું. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે એમ પત્રકાર પરિષદમાં કહીને પવાર ચાર દિવસની ખેડૂત સંવાદ યાત્રાએ નીકળી ગયા હતા.
જોકે ભાજપ-શિવસેના વચ્ચે હજુએ સત્તાની ખેંચતાણ ચાલી રહી છે એટલું જ નહીં વકરી ચૂકી છે અને આવતી કાલે શુક્રવારે રાત્રે 12 વાગ્યે હાલની વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે, તેથી દિલ્હી સુધી સત્તા મેળવવાની સાઠમારી ચાલી રહી છે.
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવી હોવા છતાં આજે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો નથી કર્યો તેથી અનેક નવાં રાજકીય સમીકરણોની શક્યતા નિર્માણ થઇ છે. આ સ્થિતિમાં પવારની હાજરી ખૂબ જરૂરી અને મહત્ત્વની હોય એમાં કોઇને શંકા જ નથી. તેથી વિવિધ રાજકીય અટકળોને વેગ મળ્યો છે. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer