નેશનલ હાઇવે પર કારચાલક માટે ફાસ્ટટૅગ સિસ્ટમ 1 ડિસેમ્બરથી ફરજિયાત

મુંબઈ, તા. 7 : નેશનલ હાઇવે પર પ્રવાસ કરનારા ચાર પૈડાંના વાહનો માટે ટોલ ચૂકવવા માટે હવે ફાસ્ટટૅગ સિસ્ટમ આવી ગઈ છે. ફોર વ્હીલર્સમાં આ ટૅગ (આમ તો એક ઇલેક્ટ્રોનિક ચીપ) બેસાડવો ફરજિયાત છે, કેમ કે પહેલી ડિસેમ્બરથી ટોલનાકા પર રોકડમાં ટોલ સ્વીકારવામાં નહીં આવે, આ સંબંધી જાહેરાત નેશનલ હાઇવે અૉથોરિટીના પ્લાનિંગ અધિકારી સંજય કદમે કરી છે.
કદમે જણાવ્યું હતું કે ફાસ્ટટૅગ સિસ્ટમ તમામ ટોલનાકાઓ પર બેસાડવામાં આવી છે અને ભારતીય સ્ટેટ બૅન્ક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ, આઇડીએફસી સહિતની બૅન્કોની શાખાઓમાં તેમ જ અૉનલાઇન ખરીદી પોર્ટલો પર તેમ જ ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ ફાસ્ટટૅગ (ચીપ)ની ખરીદી કરી શકાય છે. હાઇવે અને પરિવહન મંત્રાલયે વર્ષ 2016થી ફાસ્ટટૅગ ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ શરૂ કરી છે અને 7 મે 2018ના કેન્દ્ર સરકારે આ બાબતનો રાજપત્ર પણ જાહેર કર્યો છે. એ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ફાસ્ટટૅગ એક પાતળી ઇલેક્ટ્રોનિક ચીપ છે, જે ગાડીના આગળના કાચ પર સ્ટિકરની જેમ ચોંટાડવાની હોય છે. આ ચીપ ખરીદનાર (ગ્રાહક)ના બૅન્ક ખાતા સાથે તેને જોડવામાં આવે છે.
આવી ચીપ લગાડેલું વાહન ટોલનાકામાં આગળ વધે એટલે એના (માલિક)ના ખાતામાંથી ટોલની રકમ વસુલાઈ જાય એવી સિસ્ટમ (સ્કૅનર) ટોલનાકામાં બેસાડેલી છે. જેવો ટોલ વસુલાય જાય એટલે ટોલનાકાનું બૂમ એની મેળે ખુલી જાય એટલે વાહન આગળ વધી શકે છે. ફાસ્ટટૅગના ઉપયોગથી સમયની સાથે ઇંધણની પણ બચત થાય છે. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer