ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું

ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતના રક્ષક : રૂપાણી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 : ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જોકે, દિવના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે તેમ જ દિવના દરિયામાં હજુ પણ કરંટ જોવા મળી રહ્યો છે. આવતી કાલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 
સૌરાષ્ટ્રના સાગર કિનારા પર મહા વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે જેને લઇને છેલ્લા પાંચ દિવસથી ઊચા જીવે રહેલ પ્રજા અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતની રક્ષા કરે છે. મહાદેવ અને દ્ધારકાધીશ દરિયાકાંઠે બેઠા છે. ગુજરાતમાં વાવાઝોડું આવી નહીં શકે. 
 નબળી પડેલી સિસ્ટમ સતત નબળી પડી રહી છે છતાં પણ વાવાઝોડાની દિશાને લઇને જામનગર સહિતના સૌરાષ્ટ્રભરના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડું નબળું પડી ગયું છે તેવી જાણ માછીમારોને કરવામાં આવતા છેલ્લા પાંચ દિવસથી જુદાં જુદાં બંદર પર બોટ લાંગરીને બેસેલ માછીમારોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. જોકે, આગામી બે દિવસ સુધી દરિયામાં વધુ કરંટની શક્યતાઓને પગલે માછીમારોએ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. હાલ દરિયો એકદમ શાંત છે. વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, પરંતુ ભારે વરસાદની શક્યતાઓને લઇને તંત્રએ ખેડૂતોને સલામતીભર્યા પગલા ભરવા સુચના આપી છે. માહોલ શાંત થઈ ગયો છે છતાં પણ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે મોટા શહેરમાં કિનારા પરના હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. મહા વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગના ડિરેક્ટર જ્યંત સરકારે મહત્વની જાણકારી આપતા જણાવ્યું કે, મહા વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થયું છે. મહા વાવાઝોડું નબળુ પડી ગયું છે. 12 કલાક બાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જોકે, રાજ્યમાં વરસાદનું સંકટ યથાવત છે. 2 દિવસ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. સામાન્ય થી મધ્યમ વરસાદ પડશે. 

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer