પોલીસની સતર્કતાને લીધે ગુજરાતી સિનિયર સિટિઝનનો જીવ બચ્યો

પોલીસની સતર્કતાને લીધે ગુજરાતી સિનિયર સિટિઝનનો જીવ બચ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7?: અંધેરી કોલડોંગરી વિસ્તારના ફ્લૅટમાં એકલા રહેતા સિનિયર સિટિઝનને લકવાનો હુમલો આવતા કલાકો સુધી જમીન પર પડયા રહ્યા હતા અને છેક મધરાત બાદ દીકરીએ પોલીસની મદદથી તેમને હૉસ્પિટલમાં એડમિટ કર્યા હતા.
હર્ષદભાઈ ચંપકલાલ ઠક્કરે કાંદિવલી પૂર્વમાં રહેતી તેમની દીકરી રૂપલ મનીષ શાહનો ફોન ઉપાડી શકતા નહોતા કે પછી પોતાની નોકરાણી કે પાડોશી સાથે સંપર્કમાં નહોતા. તેમના ફ્લૅટનો દરવાજો પણ ખૂલ્યો નહોતો.
રૂપલબહેન મનીષ શાહે જન્મભૂમિને કહ્યું હતું કે મારા પપ્પા કોલડોંગરી વિસ્તારમાં પટેલ પૅલેસમાં ત્રીજા માળના ફ્લૅટમાં એકલા જ રહે છે. શુક્રવારે 1 નવેમ્બરે મેં સાંજે ફોન કર્યો હતો, પણ તેમણે ફોન ઉપાડયો ન હતો. આવું અગાઉ પણ બન્યું છે. સાંજે મને એ જ બિલ્ડિંગમાં રહેતી મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે તારા પપ્પા આજે દેખાયા નથી. કામવાળી બાઈ પણ પપ્પાએ દરવાજો ખોલ્યો નહીં એટલે જતી રહી હતી. છેવટે રાત્રે બાર વાગ્યે હું અને મારા પતિ ત્યાં ગયાં હતાં. પપ્પા દરવાજો ન ખોલતાં અમે પોલીસને બોલાવી હતી.
દરવાજો બંધ હોવાથી બારીની ગ્રીલ તોડી પોલીસ ફ્લૅટમાં દાખલ થઈ હતી અને ફ્લૅટમાં હર્ષદભાઈ જમીન પર પડયા હતા. તેમને લકવાનો હુમલો આવ્યો હતો.
રૂપલબહેને કહ્યું હતું કે પપ્પાને હવે અમે નાણાવટીમાંથી શિફટ કરી ગોરેગામની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા છે અને તેમની હાલત હજી નાજુક છે.  સબ-ઇન્સ્પેકટર આવળેએ કહ્યું હતું કે અમને જ્યારે ખબર પડી કે આ કેસ એક સિનિયર સિટિઝનનો છે ત્યારે એક પળ વેડફયા વગર અમે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer