રાષ્ટ્રપતિશાસન અનિવાર્ય છે?

રાષ્ટ્રપતિશાસન અનિવાર્ય છે?
બધાની નજર મહારાષ્ટ્ર પર
મુખ્ય પ્રધાનપદ અંગે ભાજપ અને શિવસેના બાંધછોડ કરવા તૈયાર નહીં 
દેવેન્દ્ર ફડણવીસને આપવું પડશે રાજીનામું : રાજ્યપાલે સરકાર રચવાની કવાયત આદરી
હોર્સ ટ્રેડિંગના ભયને લીધે રિસોર્ટ પોલિટિક્સનો પ્રારંભ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 7 : મહારાષ્ટ્ર વિધાનસભાની મુદતને પૂરી થવામાં હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં સત્તાની વહેંચણીને મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચેની મડાગાંઠનો અંત આવવાને કોઈ સંકેત નજરે પડતો નથી. આ સાથે હવે તમામ લોકોની નજર મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી પર મડાંયેલી છે. તેઓ કોને સરકાર રચવાનું આમંત્રણ આપે છે તેના વિકલ્પો તેઓ તપાસી રહ્યાં છે. તેમણે ઍડવોકેટ જનરલ સાથે પણ મસલત કરી છે.
મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપે લઘુમતી સરકાર નહીં રચવાનો નિર્ણય કર્યો છે. પક્ષ જાણે છે કે પૂરતા સંખ્યાબળ વિના જો તે સરકાર રચે તો એનસીપી કૉંગ્રેસના જોડાણ સાથે શિવસેનાને ખુલ્લી તક મળે એમ છે.
બે વિકલ્પો છે, શિવસેના અને ભાજપ બંને સાથે મળીને સરકાર રચે અથવા તો શિવસેના એનસીપી સાથે જોડાણ કરી કૉંગ્રેસના ટેકાથી સરકાર રચે.
પ્રથમ વિકલ્પ પ્રમાણે જો કરવું હોય તો શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગણી પડતી મુકવી પડે કે ભાજપે શિવસેનાની 50-50ની ફોર્મ્યુલાને સ્વીકારવી પડે. ત્યારબાદ જ ચર્ચા શરૂ થશે. જો ઉપરોક્ત વિકલ્પ પાર ન પડે તો 9 નવેમ્બરે વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થતાં ફડણવીસે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના ગવર્નર કોશિયારી ફડણવીસને રખેવાળ મુખ્ય પ્રધાન તરીકે નીમશે અને સરકાર રચવા અંગે અન્ય શક્ય વિકલ્પો તપાસશે.
સૌથી મોટા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપવું અને પૂછવું કે શું તમારો પક્ષ સરકાર રચવા તૈયાર છે? જો ઈન્કાર કરવામાં આવે તો બીજા સૌથી મોટા પક્ષને કે ચૂંટણી બાદના કોઈ જોડાણને સરકાર રચવા આમંત્રણ આપવું. આ કાર્ય ગવર્નર કરશે.
જો આમાંથી કશું પણ થઈ ન શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરતો રિપોર્ટ ગવર્નર કેન્દ્રને સુપરત કરશે. જોકે, 9 નવેમ્બર બાદ તરત જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી શક્યતા ઓછી છે.
ભાજપ અને શિવસેના વચ્ચેની મડાગાંઠ લંબાતા કૉંગ્રેસ અને એનસીપી જેવા પક્ષો મેદાનમાં આવી ગયા છે. શિવસેનાના નેતા સંજય રાઉત ખુલ્લેઆમ કહેતા ફરે છે કે, સેના પાસે વિકલ્પો ખુલ્લા છે અને તે ફ્લોર ટેસ્ટમાં બહુમતી પૂરવાર કરશે, પરંતુ આવી પરિસ્થિતિ ત્યારે જ ઊભી થશે જ્યારે ગવર્નર શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપશે, પરંતુ એ પહેલા ભાજપ સાથેના સંબંધો તોડવા વિષે જાહેરાત કરવી પડશે અને એનડીએ સાથેનો છેડો ફાડવો પડશે. જે અનેસીપીના સુપ્રીમો શરદ પવારની ટેકો આપવા માટેની પૂર્વશરત રહી છે. આ ઉપરાંત કૉંગ્રેસે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી કારણકે પક્ષમાં શિવસેનાને ટેકો આપવા સંબંધમાં ભાગલા પડયા છે અને એ પણ એવા સમયે જ્યારે રામજન્મભૂમિનો ચુકાદો આવવાનો છે અને બાબરી મસ્જિદને તોડી પાડવા માટે શિવસૈનિકોની પ્રશંસા કરનારા બાળાસાહેબ ઠાકરેના પક્ષની પોતે ટેકેદાર છે એવું કૉંગ્રેસને પરવડી શકે તેમ નથી.
જો શિવસેના એનસીપી-કૉંગ્રેસ સાથે રાજ્ય કક્ષાએ જોડાય તો આખરે તેનાથી કેન્દ્રમાં યુપીએ મજબૂત બને કારણ કે શિવસેનાના 18 સાંસદોનો તેને ટેકો મળે અને શિવસેનાના એક માત્ર પ્રધાન કે જે પ્રધાનમંડળમાં છે તે અરવિંદ સાવંત રાજીનામું આપી દે.
દરમિયાન મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણી મહારાષ્ટ્રના ગવર્નરને મળ્યા હતા.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer