ઘાટકોપરના જ્વેલર્સના ઘર-દુકાનની પોલીસ દ્વારા ઝડતી

મુંબઈ, તા. 8 : ઘાટકોપરના રસિકલાલ સાકળચંદ જ્વેલર્સના ડિરેક્ટર જયેશ શાહની દુકાન તથા રહેણાકો પર છેતરપિંડીના કેસના સંદર્ભમાં સર્ચની કાર્યવાહી આર્થિક ગુના પાંખ (ઇઓડબ્લ્યુ)ના અૉફિસરોએ હાથ ધરી હતી. શાહ સામે કેશ તથા પોન્ઝી સ્કીમો દ્વારા હજારો ઇન્વેસ્ટરો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ મુકાયેલો છે.
અમે શાહના ઘાટકોપરના રહેણાક અને જ્વેલરીની દુકાનમાં સર્ચની કામગીરી કરી છે ઉપરાંત તેના સેફની પણ સર્ચ કરી છે, પરંતુ કાંઈ મળ્યું નથી, એમ ઇઓડબ્લ્યુના ઓફિસરે કહ્યું હતું. કંપનીની સિસ્ટમની મુખ્ય હાર્ડ ડિસ્ક પણ મેળવી હતી અને તેની ઊંડાણપૂર્વકની તપાસણી કરી જેથી જાણવા મળે કે પોન્ઝી સ્કીમો કેવી કામગીરી બજાવી રહી છે.
વાસ્તવમાં ગુરુવારે જયેશ શાહ પોતે સિનિયર ઇઓડબ્લ્યુ અૉફિસર સમક્ષ ઉપસ્થિત થયા હતા અને આ કિસ્સામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે બધાં જ ઇન્વેસ્ટરોના નાણાં પરત કરવાનો દાવો કર્યો હતો.
આ કેસમાં પોલીસે મહારાષ્ટ્ર પ્રોટેક્શન અૉફ ઇન્ટરેસ્ટ અૉફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી)ની કલમો લગાડવા માગે છે, એમ સિનિયર ઇઓડબ્લ્યુ અૉફિસરે કહ્યું હતું.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer