નિરવ મોદીની કીમતી કારોનો ખરીદદાર મળતો નથી

મુંબઈ, તા. 8 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ નિરવ મોદીની 13 કારની શરૂ કરેલી લિલામીને ખાસ આવકાર મળ્યો નહોતો. ગુરુવારે યોજાયેલ લિલામમાં નિરવ મોદીની લક્ઝુરિયસ કારો બેન્ટલી અર્નાજ, રોલ્સ રૉયસ ઘોસ્ટ અને પોર્શ પાનમેરા માટે કોઈ બિડ આવી નહોતી. પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડની તપાસ કરી રહેલી ઇડીએ મોદીના તમામ વાહનો જપ્ત કર્યા હતા. નિરવ મોદીની જે કારનું લિલામ થવાનું હતું એમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ બેન્ટલી અર્નાજની 2,00,00,000 રૂપિયા રાખવામાં આવી હતી.
જોકે, લિલામમાં મુકાયેલી 13 કારમાંથી માત્ર ત્રણ કારની જ બિડ ગુરુવારે મળી હતી, જેમાં ખાસ નંબર ધરાવતી મર્સિડિઝ બેન્ઝ, જીએસ 350 જેની બેઝ પ્રાઈઝ 37.80 લાખ હતી એને માટે 37.90 લાખ રૂપિયાની બિડ મળી હતી.મારુતિની સ્વિફ્ટ ડિઝાયરની 2.40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સામે 3.65 લાખ રૂપિયાની બિડ આવી હતી. તો મારુતિ અલ્ટો માટે 1.80 લાખ રૂપિયાની સામે 2.35 લાખ રૂપિયાની બિડ આવી હતી.
જે કારની બિડ મળી નથી એ માટે નવેસરથી બિડ મગાવવામાં આવશે. ઉપરાંત એજન્સી લક્ઝરી કારની બેઝ પ્રાઈઝમાં પણ ફેરફાર કરે એવી શક્યતા છે. સૂત્રના જણાવ્યા મુજબ વાહનોની ચકાસણી દરમિયાન સારો પ્રતિભાવ મળ્યો હતો અને બિડર્સ વાહનો અંગેની જાણકારી પણ માગી રહ્યા હતા.

Published on: Fri, 08 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer