મોટરમૅનની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

મુંબઈ, તા. 12 : મધ્ય રેલવેના એક મોટરમેનની સમય સૂચકતા અને સતર્કતાને કારણે સોમવારે બપોરે પાટા પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. માટુંગા અને સાયન સ્ટેશનોની વચ્ચે રેલવે લાઈન પર એક ગૅસ સિલિન્ડરે આગ પકડી હતી. તે જોઈને મોટરમેને ફાસ્ટ લોકલને સમયસર બ્રેક મારીને અને સામેથી આવતી લોકલના મોટરમેનને સાવધ કરીને સંભવત: મોટી દુર્ઘટનાને ટાળી હતી. પરિણામે સેંકડો લોકોના પ્રાણ બચી ગયાનું બોલાઈ રહ્યું છે. રેલવેમાં સલામતીના નિયમો નહીં પાળીને થતાં કામોને કારણે પ્રવાસીઓના જીવ સામે કેવી રીતે ખતરો ઊભો થઈ શકે છે એ આ ઘટના મારફતે બહાર આવ્યું છે.
સીએસએમટીથી સોમવારે બપોરે 12.36 વાગ્યે અંબરનાથની ધીમી લોકલ રવાના થઈ હતી. આ લોકલના મોટરમેન મહેશ પરમાર હતા. બપોરે 12.57 વાગ્યે ટ્રેને માટુંગા સ્ટેશન છોડયું એ બાદ અપ ફાસ્ટ અને ડાઉન ફાસ્ટ લાઈનના વચ્ચેના ભાગમાં પાટાનું સમારકામ ચાલી રહ્યું હતું. આ માટે ગૅસ સિલિન્ડર પણ વાપરવામાં આવી રહ્યું હતું. એજ સમયે સિલિન્ડરે આગ પકડી હતી. મોટરમેન પરમારનું ધ્યાન આગ પર ગયું હતું અને તેમણે ટ્રેનની ઈમરજન્સી બ્રેક તત્કાળ લગાવી હતી અને લોકલ આગથી થોડે દૂર જ ઊભી રહી ગઈ હતી. એ જ સમયે સામેના ટ્રેક પરથી બીજી લોકલ આવી રહી હતી. એ લોકલના મોટર મેનને હેડલાઈટ શરૂ કરીને પરમારે સાવધ ર્ક્યા હતા અને સામેની લોકલ પણ સમયસર ઊભી રહી ગઈ હતી.
પાટા પર હાજર કર્મચારીઓએ સળગતા સિલિન્ડરને ઝડપભેર ઊંચકીને પાટાથી થોડે દૂર ઝાડીમાં ફેંકી દીધું હતું અને થોડીવારમાં આગ બુઝાઈ ગઈ હતી. આમ મોટું અનર્થ ટળ્યું હતું.
 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer