મહારાષ્ટ્ર ત્રીજીવાર રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવ્યું છે

મહારાષ્ટ્ર ત્રીજીવાર રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવ્યું છે
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના 20 દિવસ સુધી કોઈ પણ પક્ષે સરકાર રચવાનો દાવો નહીં કરતાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કરેલી ભલામણને આધારે રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિના શાસનની સાથે રાજ્યમાં સત્તાના બધા સૂત્રો કોશિયારીના હાથમાં આવ્યા છે. કોશિયારી અને રાજભવનમાં સલામતીની વ્યવસ્થા વધારવામાં આવી છે.
મહારાષ્ટ્રના ઇતિહાસમાં અગાઉ બે વાર રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 1978માં અને વર્ષ 2014માં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હતું. વર્ષ 1978માં શરદ પવારના નેતૃત્વ હેઠળ પુ.લો.દ.ની સરકાર હતી. તે સરકાર બરખાસ્ત કરવામાં આવી પછી વિધાનસભાની વચગાળાની ચૂંટણી યોજવામાં આવી હતી. તેના લીધે વર્ષ 1980માં 17મી ફેબ્રુઆરીથી નવમી જૂન દરમિયાન મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી વર્ષ 2014માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દ્વારા કૉંગ્રેસના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની આગેવાની હેઠળની સરકારને આપવામાં આવેલો ટેકો પાછો ખેંચી લીધો ત્યાર પછી 28મી સપ્ટેમ્બર, 2014થી 31મી અૉક્ટોબર, 2014 સુધી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હતું.
 
 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer