પાકિસ્તાનમાં એક દાયકા પછી ટેસ્ટ ક્રિકેટની વાપસી

પાકિસ્તાનમાં એક દાયકા પછી ટેસ્ટ ક્રિકેટની વાપસી
શ્રીલંકાએ ડિસેમ્બરમાં ટેસ્ટ શ્રેણી રમવા માટે હા પાડી દીધી
લાહોર, તા.14: શ્રીલંકાએ ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં બે ટેસ્ટ મેચ રમવા માટે હા પાડી દીધી છે. આ સાથે જ પાકિસ્તાનમાં એક દાયકાનાં લાંબા ગાળા બાદ ટેસ્ટ ક્રિકેટનું પુનરાગમન થવા જઈ રહ્યું છે.
આ શ્રેણી અત્યારે ચાલતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો રહેશે. વનડે કેપ્ટન દિમુથ કરુણારત્ને અને ટી-20 કેપ્ટન લસિથ મલિંગા સહિત 10 ટોચનાં ખેલાડીઓએ સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કરી દીધા બાદ પણ શ્રીલંકાએ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં દ્વિપક્ષી એકદિવસીય અને ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી હતી.
આગામી શ્રેણીનો પહેલો ટેસ્ટ 11થી 15 ડિસેમ્બર સુધી રાવલપિંડીમાં જ્યારે બીજો ટેસ્ટ 19 થી 23 ડિસેમ્બર સુધી કરાચીમાં રમાશે.પીસીબીનાં ડિરેકટર ઝાકીર ખાનનાં કહેવા અનુસાર આનાથી પાક.માં નિયમિતરૂપે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી શરૂ કરાવવામાં ઘણી મદદ મળશે. છેલ્લે શ્રીલંકાએ જ 2009માં પાક.માં ટેસ્ટમેચ રમ્યો હતો. જે પ્રવાસ દરમિયાન ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer