બાળાસાહેબના સોગંદ ખાઈને કહું છું


 કે ભાજપ સાથે ફિફ્ટી-ફિફટીની વાત થઈ હતી સંજય રાઉત
મુંબઈ, તા. 14 : રાજ્યમાં શિવસેના-ભાજપ વચ્ચેનો વિવાદ વધતો જ જાય છે. બંધબારણા પાછળ થયેલી ચર્ચા અમે જાહેર કરતા નથી એવા ભાજપના અધ્યક્ષ અમિત શાહના નિવેદન પછી શિવસેનાએ આક્રમક ભૂમિકા હાથ ધરી છે. 
અમિત શાહને જવાબમાં શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે અમે ખોટું રાજકારણ ક્યારેય કર્યું નથી. મહારાષ્ટ્ર માટે ઠાકરે કુટુંબે ત્યાગ કર્યો છે. અમે મહારાષ્ટ્રના લોકો વેપારી નથી, વેપારનું રાજકારણ અમે કર્યું નથી. શિવાજીની પ્રેરણાથી અમે કામ કરીએ છીએ અને બાળાસાહેબની કસમ ખાઈને તો ખોટું નથી બોલતા. 
સંજય રાઉતે કહ્યું હતું કે, માતોશ્રીમાં બાળાસાહેબ ઠાકરેની રૂમમાં ચર્ચા થઈ હતી. એ જ રૂમમાંથી બાળાસાહેબે દેશને હિંદુત્વનો સંદેશ આપ્યો હતો અને લોકોને આશીર્વાદ આપ્યા હતા. આ ફક્ત રૂમ નહીં પણ અમારી માટે મંદિર છે. જો કોઈ રૂમમાં એમ કહે કે આવું કાંઈ નક્કી જ નથી થયું તો તે બાળાસાહેબનું અપમાન છે. મહારાષ્ટ્રનું અપમાન છે. રૂમમાં થયેલી ચર્ચા વિશે વડા પ્રધાનને ખબર નહીં હોય તેવું અમને લાગ્યું એટલે અમે પ્રચાર દરમિયાન વિરોધ નહોતો કર્યો. વડા પ્રધાનને ખોટા નહોતા પાડવા એટલે અમે કાંઈ બોલ્યા નહોતા.  
અમે નરેન્દ્ર મોદીનો આદર કરીએ છીએ અને હંમેશાં કરતાં રહેશું. જે નક્કી થયું હતું એ જ અમે કર્યું છે, અમિત શાહે મોદીને જાણ ન કરી અને એને કારણે શિવસેનાને ભાજપ વચ્ચે અંતર નિર્માણ થયું છે. બંધબારણે જે નક્કી થયું હોય તે ન થાય તો સામે આવે જ. જો વડા પ્રધાનને બધુ ખબર હોત તો આજે જે પરિસ્થિતિ છે તે ન હોત. અમે બાળાસાહેબના સોગંદ ખાઈને કહીએ છીએ કે અમે ખોટું નથી બોલતા, તેમ સંજય રાઉતે કહ્યું હતું. 
દરમ્યાન અમે જે માર્ગ પસંદ કર્યો છે તેમાં વચ્ચે આવીને શિવસેનાને ધમકાવવાનો પ્રયત્ન ન કરો, આ મહારાષ્ટ્ર છે, છત્રપતિ શિવાજીથી બાળાસાહેબ સુધીનું મહારાષ્ટ્ર છે. ડર અને ધમકીની અમારા પર કોઈ અસર નહીં થાય. અમે મરશું પણ ડરશું નહીં. પણ જે આવું કરશે તેને પતાવી દેશું, તેવો ઈશારો સંજય રાઉતે ભાજપને કર્યો છે.
હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બીજા જ દિવસે એટલે ગુરુવારે રાઉતે ટ્વીટ કર્યું હતું કે, `અબ હારના ઔર ડરના મના હૈ'. આજે અન્ય એક ટ્વીટમા રાઉતે પ્રેરણાત્મક પંક્તિ પોસ્ટ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, `હાર હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ, જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાતા હૈ'.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer