મહારાષ્ટ્રમાં મહાશિવ મોરચાની સરકાર રચવાની તૈયારી સામે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં શિવસેના દ્વારા કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે મળીને સરકાર રચવાની થઈ રહેલી તૈયારીને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કલ્યાણમાં રહેતા પ્રમોદ જોશીએ આજે નોંધાવી છે. તેની સુનાવણી આવતી કાલે થાય એવી શક્યતા છે. આ અરજીમાં કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર, શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસને પ્રતિવાદી બનાવવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર સરકાર સરકાર રચવા શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ હાથ મીલાવ્યા તે બાબતને `મહાશિવ આઘાડી' તરીકે ઓળખાવામાં આવે છે.
પ્રમોદ જોશીએ તેમના ધારાશાત્રી વરુણ સિંહા મારફતે આ અરજી નોંધાવી છે તેના બોમાઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે. પ્રમોદ જોશીએ જણાવ્યું છે કે શિવસેનાએ વિધાનસભાની ચૂંટણી ભાજપ સાથે સમજૂતિ કરીને લડી હતી. તેમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન પદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. બહુમતી મળ્યા પછી ભાજપ સાથે મતભેદોને કારણે શિવસેના અલગ પક્ષ સાથે સરકાર રચી શકે નહીં. આ બાબત હિન્દુત્વ માટે ઘાતક છે એટલું જ નહીં પણ મતદારો સાથે પણ દ્રોહ ર્ક્યા સમાન છે. શિવસેના અને ભાજપ બંને હિન્દુત્વ વિચારધારાને અનુસરતા પક્ષો છે. ચૂંટણી પછી શિવસેના હવે ભાજપને બદલે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી જેવા વિરોધી વિચારસરણી ધરાવતા પક્ષો સાથે સરકાર રચે તો તે મહારાષ્ટ્રવાસીઓએ આપેલા જનાદેશના અપમાન સમાન ગણાશે.

Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer