રાંધણ ગૅસનું જોડાણ હોય તેને પણ રૅશનમાં કેરોસીન મળવું જોઈએ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : પાઇપલાઇન દ્વારા રાંધણ ગૅસનો પુરવઠો બંધ પડે ત્યારે ગ્રાહકોને મુશ્કેલી થાય છે. આ સમસ્યા નિવારવા આ પ્રકારના ગ્રાહકોને રૅશનિંગ દ્વારા કેરોસીન પૂરું પાડવાની જોગવાઈ કરવી જોઈએ.
આ માગણી રાજ્ય ગ્રાહક સંરક્ષણ પરિષદના સભ્ય અને મુંબઈ રૅશન-દુકાનદાર સંગઠનાના પ્રમુખ નવીનભાઈ મારૂએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વડાલા વિસ્તારમાં 12/11ના ગૅસ પાઇપલાઇનનો પુરવઠો બંધ પડી ગયો હતો. આ ગ્રાહકોને કેરોસીન આપવામાં આવે તો રાહત મળે.
નવીન મારૂએ રેસિડેન્શિયલ સોસાયટીના ગેંગવેના ભાગમાં કાર પાર્કિંગ કરવામાં આવે છે તે રહેવાસીઓને અડચણરૂપ છે. જો કોઈ ગેંગવેમાં કાર ઊભી રાખે તો તેની રાજ્ય ગ્રાહક સંરક્ષણ પરિષદ પાસે ફરિયાદ કરી શકાય. જ્યાં ગ્રાહકની વાત આવે ત્યાં આ પરિષદ ગ્રાહકના રક્ષણ માટે તત્પર રહે છે. જે તે વિભાગમાં જાણ કરીને તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.
તેમણે કહ્યું કે રાજ્ય ગ્રાહક સંરક્ષણ પરિષદ એ સીધી રાજ્ય સરકાર હસ્તક છે તેની પાસે ગ્રાહકને અન્યાય કે શોષણ થયાની ફરિયાદ આવે છે ત્યારે ગ્રાહકને ન્યાય મળે એ માટે સક્રિય બને છે. એ બાબત સંબંધિતો નોટિસ મોકલીને પગલાં લઈ શકે છે. ગ્રાહક સંરક્ષણ પરિષદ એ આરટીઆઈ નથી.

Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer