કલ્યાણમાં લીવ-ઈન-પાર્ટનરની હત્યા કરનાર આરોપીની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
કલ્યાણ, તા. 14 : કલ્યાણમાં 19 વર્ષની લીવ-ઈન-પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરવાના આરોપસર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 20 વર્ષના નીરજ મૌર્યની મંગળવારે ધરપકડ કરી હતી.
પોલીસે કહ્યું હતું કે, કલ્યાણના બાલયાની વિસ્તારમાંથી આ મહિનાની શરૂઆતમાં એક અડધો બળેલો યુવતીનો મૃતદેહ મળ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને યુવતીની ઓળખ મળી હતી અને સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે, આ યુવતીને છેલ્લા બે દિવસથી જોવામાં નથી આવી. પોલીસે આરોપીને પકડયો હતો અને તેણે કહ્યું હતું કે, `હું ગાઝિયાબાદની માહિની ગુપ્તા નામની યુવતી સાથે રહેતો હતો. અમારા વચ્ચે મતભેદ હતા અને આ મહિનાની શરૂઆતમાં અમારા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેં એના દુપટ્ટાથી એને ટૂંપો દઈ મારી નાખી હતી, પછી એના મૃતદેહને પ્લાસ્ટિકની બેગમાં નાખી એને નિર્જન સ્થળે લઈ ગયો હતો અને મૃતદેહને પેટ્રોલ નાખી બાળ્યો હતો.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જજે તેને અઠવાડિયાની પોલીસ કસ્ટડી આપી હતી.
Published on: Fri, 15 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer