ગુજરાતમાં 20 નવેમ્બરથી નાબૂદ થઈ જશે તમામ 16 ચેકપોસ્ટ

લર્નિંગ લાઇસન્સની કામગીરી હવે 221 આઇટીઆઇ ખાતેથી શરૂ : ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ સહિતની વધુ 7 સેવાઓ અૉનલાઇન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 : ગુજરાતના કરોડો વાહનચાલકો માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે ફાયદારૂપ એવા ત્રણ મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયો આજે જાહેર કર્યા હતા. રૂપાણીએ આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ 16 ચેકપોસ્ટ આગામી તા.20 નવેમ્બર, 2019થી નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત આવતી કાલે તા.15 નવેમ્બર,2019થી જ વાહનચાલકો માટે લર્નિંગ લાઇસન્સની કામગીરી 221 આઇટીઆઇ ખાતેથી શરૂ કરવામાં આવી છે, જ્યારે તા.25 નવેમ્બર,2019થી રાજ્યની 29 સરકારી પોલિટેકનિક ખાતેથી લર્નિંગ લાઇસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે વાહન અને લાઇસન્સ સંબંધિત વધુ કુલ 7 સેવાઓ અૉનલાઇન કરવામાં આવી છે. જેનો સીધો લાભ ઘેર બેઠા વાહનચાલકોને મળતા કુલ 42 લાખ લોકો વર્ષમાં આરટીઓ કચેરી ખાતે આવતા ઓછા થશે. આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પદ્ધતિને બદલે તા.20 નવેમ્બર, 2019થી ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડિવાઇસથી થશે, એમ પણ જાહેર કર્યું હતું.       
રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આરટીઓ સંબંધિત અનેક ફરિયાદો આવતી હતી. આ સંબંધે અનેક મિટિંગો કરી છે. આજે ટેકનૉલૉજી ઉપલબ્ધ છે ત્યારે અૉનલાઇન સેવાઓ પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 કરોડ વાહનોનું રજિસ્ટેશન થાય છે અને દર વર્ષે 90 લાખ વાહનો ચેકપોસ્ટ પર ઊભા રહે છે, જેમાં તંત્ર કામે લાગતું હતું તેથી સરળતા માટે 20 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટો સંપૂર્ણ  બંધ કરવાનો મહત્ત્વનો નિર્ણય કરાયો છે. આ ચેકપોસ્ટોમાં અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખિયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઇ ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. ચેકપોસ્ટ નાબુદીના ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉદ્યોગોમાં ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે. વાહન વ્યવહારની ઝડપ વધશે, ઇંધણ અને સમયના બગાડમાં ઘટાડો થશે. સમગ્ર દેશમાં ગુજરાત કદાચ પ્રથમ રાજ્ય છે કે જેણે તમામ ચેકપોસ્ટોને નાબૂદ કરી છે. 
રૂપાણીએ કહ્યું કે, ચેકપોસ્ટ નાબૂદ થતાં વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ચૂકવણું અૉનલાઇન કરી શકશે. ચેકપોસ્ટ ઉપર કર અને ફીના ચૂકવણાંની આવક રૂા.332 કરોડ હતી જે હવે અૉનલાઇન સ્વીકારવામાં આવશે. આઠ રાજ્યોમાંથી ટ્રકો ગુજરાતમાં આવે છે જેથી અૉનલાઇનનો નિર્ણય લેતા પહેલાં ગુજરાતના ટ્રક ઍસોસિયેશન તેમ જ બહારના રાજ્યોના ટ્રક ઍસોસિયેશનો સાથે લંબાણપૂર્વકની મિટિંગો કરી છે. જે મુજબ, હવે ગુજરાત બહારથી આવતી ટ્રકો પાસેથી પણ અૉનલાઇન કર અને ફીની ચૂકવણી કરાશે. ઓવર ડાયમેન્શન કાર્ગો માટે વાહન અને માલની ફી અૉનલાઇન ચૂકવવાની રહેશે અને અૉનલાઇન જ એક્ઝેમ્પશન મેળવી શકાશે. જોકે, ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. ઓડીસી મોડયુલ પર કોઇપણ વાહનમાલિક વાહન અને માલ સંબંધિત ફી અને કર ભરીને મુક્તિ મેળવેલ ન હોય તેમ જ માલ અને પરિવહન સંબંધિત ખોટી માહિતી આપશે તો બમણો દંડ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા વસૂલ કરવામાં આવશે. કંપનીઓને આરટીઓ પાસેથી ઓફલાઇન સર્વિસ પણ મળી રહેશે.
વિજયભાઇએ કહ્યું કે, તમામ ચેકપોસ્ટોનો સ્ટાફ એન્ફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં લાગશે. આગામી તા.20 નવેમ્બર, 2019થી આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પદ્ધતિને બદલે ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડિવાઇસથી કરવામાં આવશે. ચેકિંગ અધિકારીઓને 359 હેન્ડ હેલ્ડ ડિવાઇસીસથી સુસજ્જ કરવામાં આવશે. હેન્ડ હેલ્ડ ડિવાસીસના ઉપયોગ દ્વારા આરટીઓની કામગીરીમાં પારદર્શકતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઇ શકે. ગુનાવાર દરોની ગણતરી ઓટોમેટિક થશે. દંડ કરવાની કાર્યવાહીમાં મનઘડત રીતે કરી શકાશે નહીં.
અૉનલાઇન સેવામાં અન્ય 7 સેવાનો ઉમેરો કરાયો છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સનું રિન્યુઅલ, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી, ડ્રાઇવિંગ લાઇસન્સનું રિપ્લેસમેન્ટ, વાહન માટે ડુપ્લિકેટ આરસી, વાહન સંબંધિત માહિતી અને હાઇપોથિકેશન રિમુવલની કામગીરીનો સમાવેશ થાય છે. આ 7 સેવાઓનો લાભ દર વર્ષે 17 લાખ લોકોને મળશે અને લોકોનો સમય, શક્તિ અને સંશાધનોનો બચાવ થશે. અરજદારને વાહન અને લાઇસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઇલથી વન ટાઇમ પાસવર્ડ મેળવવાનો રહે છે.  ઉલ્લેખનીય છે કે, હાલમાં વાહન નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, વાહનનું એનઓસી, ટેક્સ અને ફીની ચૂકવણી સહિત કુલ 25 લાખ લોકો આરટીઓ કચેરી રૂબરૂ આવ્યા સિવાય ઘરે બેઠા આ સેવાનો લાભ મેળવી રહ્યા છે. આરટીઓમાં છેલ્લા 20 વર્ષના વાહન ચાલકનો રેકર્ડ અૉનલાઇન થઇ જશે જેથી હાલની 25 લાખ અને આજે જાહેર કરવામાં આવેલ વધુ 7 સેવાઓ દ્વારા 17 લાખ મળી કુલ 42 લાખ લોકો વર્ષમાં આરટીઓ કચેરી ખાતે આવતા ઓછા થઇ જશે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer