સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક સ્થળે ભારે કરા વર્ષાથી ખેડૂતોની હાલત દયનીય

હજારો ગૂણી મગફળીને નુકસાન
કોટડા (મઢ)માં એક યુવાનનું મોત : 30થી 40 કિ.મી.ની ઝડપે પવન-ગાજવીજ સાથે વરસાદ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ/ભુજ, તા.14: હવામાન ખાતાની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોરબાદ ઝંઝાવાતી પવન, ભારે ગાજવીજ સાથે કરાં પણ પડયાં હતાં. અનેક સ્થળેથી અડધાથી 4 ઇંચ સુધી વરસાદ પડયાના અહેવાલ છે. સૌથી વધુ કરાં સાથે 4 ઇંચ વરસાદ કલાણામાં પડયો હતો. જ્યારે ઢાંક, ધોરાજી, જામકંડોરણા પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ પડયાનું જાણવા મળે છે. માળિયા હાટીનાના અમરાપુરામાં વીજળી પડતા ભેંસનું મોત થયું હતું. અનેક યાર્ડમાં પડેલી હજારો ગુણી મગફળી પણ વરસાદને કારણે નુકસાન પામી છે.
કાર્તિકી પૂર્ણિમા અને દેવદિવાળીના તુલસી વિવાહ સંપન્ન થતાં જ એક તરફ કચ્છમાં અનેક પરિવારોમાં સાંસારિક લગ્નગાળાની મોસમ શરૂ થતી હોય છે, બીજી તરફ ખેતી માટે પણ આદર્શ સમય ગણાય છે, પરંતુ કચ્છમાં જ ધામા નાખી બેઠેલા અને હવે કમોસમી બની ગયેલા વરસાદે કારતક વચ્ચે આષાઢી માહોલ જમાવી બધી જ તૈયારીઓ પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. એટલું જ નહીં પણ ગજવીજના ડરામણા માહોલ વચ્ચે ગુરુવારની પરોઢથી રણકાંધીના વિસ્તારોથી પ્રવેશેલા માવઠાએ કોટડા (મઢ)માં એક યુવાનનો ભોગ લીધો હતો અને ખડીરથી બન્ની અને બન્ની-પચ્છમમાંથી જિલ્લા મથક ભુજ થઈને  પશ્ચિમ-પૂર્વ કચ્છમાં માવઠારૂપી રાડ પડાવે તેવી ધોધમાર હાજરી પુરાવતાં ખેડૂતો માથે હાથ દઈ બેઠા છે. ખેતરોમાં તૈયાર પાક પલળી જતાં મસમોટું નુકસાન પહોંચ્યું છે.
આ માવઠાએ ક્યાંક આકાશમાંથી બરફના ગાંગડા જેવા કરા પાડતાં કચ્છીમાડુના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે, હવે ખમૈયા કરો મેઘરાજા. હવામાન ખાતાએ આપેલી આગાહી સાચી પડી હતી તો આવનારા બે દિવસ સુધી 30થી 40 કિ.મી.ની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી ચેતવણી આપી હતી.
કારતક માસમાં શિયાળાનો પ્રારંભ થઇ ચૂકયો છે, ત્યારે કચ્છમાં ઉપરાઉપરી આ બીજા માવઠાએ ખાસ કરીને ખેતી-વાડીને મોટી અસર પહોંચાડી છે.
ત્રણ વરસે માંડ સારો વરસાદ થયો હતો એ આશા સાથે કચછના ખેડૂતોએ કપાસ, ગુવાર, તલ, મગ, મઠ અને એરંડા ઉપરાંત મગફળીના પાકનું મોટા પાયે વાવેતર કર્યું હતું. દિવાળીની આસપાસ તમામ પાક તૈયાર થઇ જતાં તૈયાર પાક ઉતારવાની કામગીરીમાં કિસાનો વ્યસ્ત હતા ત્યાં 15 દિવસ પહેલાં માવઠું આવ્યું ને બરાબર 15 દિવસે આજે આવેલા મહામાવઠાએ ખેડૂતોની બાજી બગાડી નાખી હતી.
કચ્છના વાગડ વિસ્તારમાં જીરું ઉપરાંત બાજરાના પાકને કરા રૂપી આજના કમોસમી વરસાદે મોટી નુકસાની પહોંચાડી, બન્ની-પચ્છમના માલધારી હોય કે અબડાસામાં તલીનું વાવેતર કરનારા ખેડુને માથે મહામુસીબત આવી પહોંચી છે.
આજે ભુજ ઉપરાંત ગાંધીધામ, આહીરપટ્ટી, પાવરપટ્ટી, અબડાસાનો કાંઠાળ વિસ્તાર, ભચાઉ, ચોબારી, રાપર અને માંડવીનો ગઢશીશા તો હાજીપીર નખત્રાણા, કુળદેવી માતાના મઢ, માકપટ આ તમામ વિસ્તારોમાં માવઠાએ તૈયાર પાકને માઠી અસર પહોંચાડી હોવાના હેવાલ મળ્યા છે. તો કોટડા (મઢ)માં આકાશી વીજળી પડતાં 34 વર્ષનો હસન રાયમા નામનો યુવાન ભરખાયો હતો.
પચ્છમ વિસ્તારમાં તો જાણે કાશ્મીર જેવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. બરફ વરસાદના કારણે બપોરે પણ રસ્તા પર બરફની ચાદર છવાયેલી રહી હતી.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer