બાળકોને સ્કૂલના સમયમાં ચારવાર પાણી પીવાની રિસેસ આપવી જોઇએ

બાળકોને સ્કૂલના સમયમાં ચારવાર પાણી પીવાની રિસેસ આપવી જોઇએ
મુંબઈ, તા. 14 : તાજેતરમાં સ્થાપિત ઍસોસિયેશન અૉફ પ્રાઇમરી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (એપીઇઆર)એ બાળદિનની પૂર્વસંધ્યાએ કેરલની એક સ્કૂલના નિયમ પરથી પ્રેરણા લઇને દેશભરની સ્કૂલોને રોજ વિદ્યાર્થીઓને પાણી પીવા માટે ચાર રિસેસ (બ્રેક) આપવાની અપીલ કરી છે. ઍસોસિયેશને છથી દસ વર્ષનાં બાળકોનાં વાલીઓમાં અગાઉ સર્વે કરાવ્યો હતો, #શિક્ષલાવિંયબયહહરજ્ઞ|િફાયિંિ નામના આ કૅમ્પેનમાં તારણ મળ્યું હતું કે બાળકો સ્કૂલેથી પરત આવે ત્યારે એમને સાથે આપેલી પાણીની બૉટલો લગભગ ભરેલી જ પાછી લાવે છે, અર્થાત્ બાળકો સ્કૂલના સમયમાં ભાગ્યે જ પાણી પીવે છે.
મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઇમાં લગભગ નવસો જેટલા ટીચર્સ અને પેરેન્ટ્સનાં મંતવ્યો લેવાયાં તેમાંથી 68 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે તેમનાં બાળકોને ઘરેથી વૉટર બૉટલ ભરીને આપવામાં આવે છે તે સ્કૂલેથી પરત આવ્યાં બાદ લગભગ ભરેલી જ પાછી લાવે છે. એટલે કે 67 ટકા બાળકો સ્કૂલમાં પાણી જ નથી પીતાં.
આ સર્વેમાં છસો જેટલાં બાળકોને એવો પ્રશ્ન કરાયો હતો કે તમે સ્કૂલના સમયમાં પાણી કેમ નથી પીતાં તો 72 ટકા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો હતો કે ટીચર તેમને વારેઘડીએ બાથરૂમ કે વૉશરૂમમાં જવાની અનુમતી નથી આપતા. મોટા ભાગના ટીચર્સે પણ આ સંદર્ભે એવો જવાબ આપ્યો હતો કે અમે બાળકોને ક્લાસમાં પાણી પીવાની અનુમતી નથી આપતાં કેમ કે પાણી પીધાં બાદ તેઓ વારેઘડીએ બાથરૂમ જવાની રજા માગે છે.
ઍસોસિયેશને અપીલ કરી છે કે દરેક સ્કૂલના સમય દરમિયાન બાળકોને પાણી પીવા માટે ચાર વખત બેલ વગાડવી જોઇએ, અર્થાત્ સ્કૂલના સમય દરમિયાન બાળકોને ખાસ પાણી પીવા માટે ચારવાર રિસેસ મળવી જોઇએ.
ઍસોસિયેશનનાં પ્રમુખ સ્વાતિ પોપટ વત્સના જણાવ્યા પ્રમાણે સર્વેનાં તારણોનો અભ્યાસ કર્યા બાદ અમને કૅમ્પેન ચલાવવાની જરૂરિયાત જણાઇ હતી. તાજેતરમાં કેરલની એક સ્કૂલની તસવીર પણ અમને મળી હતી જેમાં આ સ્કૂલના સમય દરમિયાન ચાર વખત વિદ્યાર્થીઓને પાણી પીવા માટે ચાર વખત બેલ વગાડવામાં આવે છે. તેથી અમે કૅમ્પેન હાથ ધર્યું અને બાળદિનની પૂર્વસંધ્યાએ દેશની તમામ સ્કૂલોને અપીલ કરી કે સ્કૂલના સમય દરમિયાન વિદ્યાર્થીઓને ચાર વખત પાણી પીવાની રજા આપવી જોઇએ. અમે સ્કૂલોને મેસેજ મોકલ્યા બાદ બાળદિન પહેલાં જ 53થી વધુ સ્કૂલોએ આ કૅમ્પેનમાં જોડાવાની સંમતિ આપી છે.
બાળકોના નિષ્ણાત ડૉક્ટરોએ પણ આ કૅમ્પેનને આવકાર્યું છે. હિંદુજા હૉસ્પિટલના કન્સલટન્ટ પિડિયાટ્રિશિયન ડૉ. નીતિન શાહના જણાવ્યા પ્રમાણે વિજ્ઞાન પ્રમાણે પાણી કેટલા સમયના અંતરે પીવું જોઇએ એવો કોઇ નિયમ નથી, પરંતુ વ્યક્તિને સમયાંતરે પાણી પીવાની જરૂર તો પડે જ છે, તેથી આ કૅમ્પેન બાળકોના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. જો પાણી 
ઓછું પીવામાં આવે તો પથરીની તકલીફ થઇ શકે છે. ઉપરાંત જો બાળકો તરસ્યાં ન હોય તો તેઓ સારી રીતે અભ્યાસમાં પણ મન પરોવી શકે છે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer