પાલિકાના કૉન્ટ્રેક્ટરો પર દરોડા 735 કરોડનો ગેરવહીવટ પકડાયો

પાલિકાના કૉન્ટ્રેક્ટરો પર દરોડા 735 કરોડનો ગેરવહીવટ પકડાયો
મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મુંબઈ મહાપાલિકા માટે કામ કરનારા કૉન્ટ્રેક્ટરોને ત્યાં ઇન્કમટૅક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં 735 કરોડ રૂપિયાથી વધુ રકમનો ગેરરીતિ થયાંનું પકડાયું હોવાનું સેન્ટ્રલ બૉર્ડ અૉફ ડાઇરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ આજે જણાવ્યું હતું. સીબીડીટીના જણાવ્યા પ્રમાણે મુંબઈ અને સુરતમાં મળીને કુલ 44 સ્થળોએ છ નવેમ્બરના આ સર્ચ અને સર્વે અૉપરેશન હાથ ધરાયા હતા. મુખ્યત્વે મુંબઈ પાલિકાના કૉન્ટ્રેક્ટરો અને તેમની એન્ટ્રીના આધારે લાભાન્વિતોને ત્યાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે એવા અહેવાલો હતા કે કેટલાક કૉન્ટ્રેક્ટરોએ લોનના રૂપમાં એન્ટ્રીઓ પાડી હતી. તેમ જ હિસાબમાં વધુ ખર્ચ બતાડીને ગેરરીતિ કરી હતી. કેટલાક કૉન્ટ્રેક્ટરોએ કરવેરા ન ભરવા માટે પણ હિસાબ-કિતાબમાં ખોટી એન્ટ્રીઓ પાડી હતી. આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે મોટા પાયે કરચોરી અને મની લોન્ડરિંગના સચોટ દસ્તાવેજો અમને મળ્યા છે.
પાલિકા પર શિવસેનાનો કબજો હોવાથી આ દરોડા વર્તમાન સંદર્ભમાં મહત્ત્વના છે. મુખ્ય પ્રધાનપદના મુદ્દે શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડયો છે. 227 સભ્ય ધરાવતી પાલિકામાં શિવસેનાના 94 અને ભાજપના 82 નગરસેવકો છે. ગુરુવારે શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકારોને કહ્યું હતું કે ભાજપ અમને ડરાવાની કોશિશ ન કરે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer