ઇંગ્લૅન્ડમાં જન્મેલી નાગરિકતા વિહોણી 7 વર્ષની માયશાને બાળદિને ભારતીય નાગરિકત્વ મળ્યું

ઇંગ્લૅન્ડમાં જન્મેલી નાગરિકતા વિહોણી 7 વર્ષની માયશાને બાળદિને ભારતીય નાગરિકત્વ મળ્યું
અમારા પ્રતિનિધિ તરફથી  
વડોદરા, તા. 14 : દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂના જન્મદિવસે દેશભરમાં આજે ચિલ્ડ્રન ડૅની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નાગરિકતા વિહોણી 7 વર્ષની માયશા નઇમ મન્સુરીને ભારતીય નાગરિકત્વ મળ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટરે ભારતીય ગૃહ મંત્રાલયે આપેલું ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર માયશાને આપીને ખરા અર્થમાં બાળ દિનની ઉજવણીને સાથર્ક કરી બતાવી હતી. 
માયશાના માતા-પિતા મૂળ ભારતીય નાગરિક છે, પરંતુ રોજગારી માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. અને ઇંગ્લેન્ડમાં ટુંકા ગાળાના વસવાટ દરમિયાન માયશાનો જન્મ થયો હતો. જેથી માયશાને ઇંગ્લેન્ડની કે ભારતની કોઈ પણ નાગરિકતા મળી શકી ન હતી. માયશા નાગરિકતાથી વંચિત હોવાથી વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગઇ હતી. માતા-પિતાએ દીકરી માયશાને ભારતીય નાગરિકતા અપાવવા માટે 2016માં કાયદા પ્રમાણે અરજી કરી હતી. 
વડોદરા કલેક્ટર કચેરીએ પણ આ કિસ્સામાં ખુબ જહેમત ઊઠાવી ઝીણવટ ભરી પ્રક્રિયાઓ પૂરી કરી હતી. લાંબો પત્રવ્યવહાર ચાલ્યો, વિવિધ પ્રકારના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યાં હતાં. આ તમામ જહેમત અને પરિશ્રમને અંતે સફળતા મળી હતી અને આજે બાળ દિવસે માયશાને નાગરિકતા વિહોણી પરિસ્થિતિમાંથી મુક્તિ મળી હતી. વડોદરા કલેક્ટર કચેરીમાં આજે અનોખી રીતે બાળ દિવસની ઉજવણીનો આનંદ જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના બ્રેન્ટમાં જન્મેલી માયશા આખરે 7 વર્ષની પ્રતીક્ષાના બાદ ભારતીય નાગરિક બની હતી. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તેને સુખદ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. 
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer