રાષ્ટ્રપતિશાસન જરૂરતમંદોને સરકારી તબીબી સહાય બંધ થઈ

રાષ્ટ્રપતિશાસન જરૂરતમંદોને સરકારી તબીબી સહાય બંધ થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદ અને સત્તાની સમાન વહેંચણી માટે અપનાવેલા અકડ વલણને લીધે સરકારની રચનામાં થયેલા વિલંબને પગલે રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. તેનો મોટો ફટકો રાજ્યમાં આર્થિકરીતે નબળા પરિવારોને તબીબી સહાય મેળવવામાં પડયો છે.
રાષ્ટ્રપતિશાસને લીધે જરૂરિયાતમંદોને તબીબી સારવાર માટે મદદ આપતો મુખ્ય પ્રધાન તબીબી સહાય વિભાગ બંધ કરવામાં આવ્યો છે. મંત્રાલયના સાતમા માળે આવેલા આ વિભાગમાં તાળાં મારવામાં આવ્યાક્ષ છે તેના કારણે આર્થિક સહાય માટે અરજી કરનારા 5657 દરદીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ પાડવામાં આવી પછી આ વિભાગનું કામ વ્યવસ્થિત ચાલતું નહોતું. ત્યાર પછી ચૂંટણી પંચની સૂચના પછી પણ તેનું કામ વ્યવસ્થિત શરૂ થયું નહોતું. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું પછી આ વિભાગનું કામ પૂર્ણપણે થંભી ગયું છે. તેથી વિવિધ બીમારીઓથી પીડાતા પાંચ હજાર કરતાં પણ વધારે દરદીઓએ કરેલી તબીબી સહાય માટેની અરજીઓ રખડી પડે એવી સંભાવના છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદે હતા તે પાંચ વર્ષના સમયગાળામાં 21 લાખ દરદીઓને 1600 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં આર્થિકરીતે નબળા પરિવારોને આ મોટી બીમારીમાં મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી સહાય પૂરી પાડવામાં આવતી હતી. આ આખીય સ્કીમનું વ્યવસ્થાપન દેવેન્દ્ર ફડણવીસની દેખરેખ હેઠળ કરવામાં આવતું હતું.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer