ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજની પાલખી યાત્રા

ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજની પાલખી યાત્રા
કરોડો રૂપિયાની લાગી બોલી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સુવિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબ બુધવારે બપોરે અમદાવાદ ખાતે કાળધર્મ પામ્યા હતા અને આજે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડયાં હતાં. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય રાકેશ શાહ, પાલડીની કૉર્પોરેટર સુજોય મહેતા, વાસણાના કૉર્પોરેટર અમિત શાહ, મહારાજ સાહેબના શિષ્ય સૌમ્ય પ્રભા અને હિમાંશુ શાહે પણ દર્શન કર્યા હતા. ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાલખી યાત્રા પહેલા પાલડી સ્થિત ઓપેરા જૈન સંઘ ઉપાશ્રય ખાતે પાલખીના ચઢાવા થયા હતા. અંદાજે 19 જેટલા વિવિધ ચઢાવા દરમિયાન શ્રદ્ધાળુઓએ દરેક વખતે લાખો રૂપિયાની બોલી લગાવી હતી. પાલખી પધરામણીના રૂા.31,31,000ની બોલી લગાવી ચઢાવાનો લાભ સંગીતાબહેને લીધો હતો. જે બાદ પ્રથમ ગુરુપૂજનની બોલી બોલવામાં આવી હતી અને મુંબઇના જમના બહેને ગુરુપૂજનના રૂા.36,36,000 ચડાવાનો લાભ લીધો હતો. જ્યારે તેઓને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી રૂા.4 કરોડ 51 લાખ બોલવામાં આવી હતી. અમદાવાદના આંબલી ખાતે આવેલા લબ્ધિ નિધાન જૈન સંઘ ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. 
અમદાવાદમાં કાળધર્મ પામેલા ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબના પાર્થિવ દેહના અગ્નિદાહ પહેલા આજે તેમની પાલખીના ચઢાવા થયા હતા. ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાલખી યાત્રા પાલડી સ્થિત ઓપેરા ઉપાશ્રયથી નીકળી હતી જે ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબના આંબલી ખાતેના લબ્ધિનિધાન જૈન સંઘ ખાતે પહોંચી હતી અને ત્યાં સાંજે ચાર વાગ્યે અગ્નિદાહ અપાયો હતો. અગ્નિદાહ માટે 4.51 કરોડની બોલી બોલાઈ હતી. જયધોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબની ચાર પરિવારોએ ભેગા મળીને બોલી બોલ્યા હતા. જેમાં શાંતાબહેન વસંતભાઇ અદાણી પરિવાર, મંજુલાબહેન રમણલાલ ચાણસ્માવાળા પરિવાર, ધત્રિકા બહેન કલ્પેશભાઇ શાહ પરિવાર અને દિપકભાઇ બારડોલીવાળા પરિવારે ભેગા થઇને બોલી બોલ્યા હતા અને અગ્નિસંસ્કાર વિધિ કરી હતી.
પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર વાયુવેગે પ્રસરતા દેશ-વિદેશમાં વસતા જૈનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. પાલડી સ્થિત ઓપેરા ઉપાશ્ર્ય ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ઉમટી પડયાં હતાં. જ્યાં વિવિધ ચઢાવાઓ થયા બાદ તેમના પાર્થિવ દેહને આંબલી રોડ સ્થિત જૈનસંઘ લઇ જવા પાલખી યાત્રા યોજાઇ હતી. આ પાલખી યાત્રા જૈનાચાર્ય ભુવનસૂરી સ્મૃતિ મંદિર પંકજ સોસાયટીથી અંજલિ ચાર રસ્તા, ધરણીધર, નહેરૂનગર ચાર રસ્તા, શિવરંજની, રામદેવનગર ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા, જયંતિલાલ પાર્ક બીઆરટીએસ બસસ્ટોપ, પાર્શ્વ લકઝુરિયા ફ્લેટ- આંબલી ખાતેના લબ્ધિનિધાન જૈન સંઘ ખાતે પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા તે સ્થળ પર સ્મૃતિ મંદિર બનશે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer