સ્ટેચ્યુ અૉફ યુનિટી હવે પ્રવાસીઓની આવક

સ્ટેચ્યુ અૉફ યુનિટી હવે પ્રવાસીઓની આવક
મામલે સ્ટેચ્યુ અૉફ લિબર્ટીને પાછળ પાડશે
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 14 : સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે નવાં પ્રવાસન આકર્ષણો ઉમેરાતાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે દરરોજના એવરેજ 9 હજાર 400થી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. એક સર્વે મુજબ સ્ટેચ્યુ અૉફ લિબર્ટી જે વર્ષો જૂનું અને દુનિયાની અજાયબીમાં સ્થાન પામ્યું છે અને રોજના 10 હજાર પ્રવાસીઓ એવરેજ નોંધાય છે. ત્યારે સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે પ્રવાસીઓની વધતી સંખ્યા જોતાં આગામી દિવસોમાં સ્ટેચ્યુ અૉફ લિબર્ટી કરતાં પણ લોકપ્રિયતામાં આગળ નીકળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યુ અૉફ યુનિટી નજીક અન્ય વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાતા પ્રવાસીઓનું આકર્ષણ વધી રહ્યું છે. 
 સરદાર પટેલની પ્રતિમાનું 31 અૉક્ટોબર, 2018ના રોજ લોકાર્પણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર, 2018થી 31 ઓક્ટોબર, 2019 સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 29,32,220 પ્રવાસીઓએ સ્ટેચ્યુ અૉફ યુનિટીની મુલાકાત લીધી છે. આ પ્રવાસીઓની ટિકિટથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કુલ 75 કરોડ જેટલી માતબર રકમની આવક પ્રાપ્ત થઈ છે. દિવાળી વૅકેશનમાં 2,91,640 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી 10 ટકા જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ સાલે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી હતી. ગયા વર્ષની રજાઓમાં સરેરાશ પ્રતિદિન 14,918 પ્રવાસીઓની સામે ચાલુ વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિદિન 22,434 પ્રવાસીઓ નોંધાયા છે. 
 આ જોતાં પ્રતિદિન સ્ટેચ્યુ અૉફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 9400 પ્રતિદિન નોંધાઈ છે. ત્યારે જેની બરોબરી સ્ટેચ્યુ અૉફ લિબર્ટી સાથે કરીએ તો જ્યાં રોજના 10 હજાર પ્રવાસીઓ આવે છે. આ અંતર એકાદ મહિનામાં પૂર્ણ થઈ શકે તેમ છે. 
 આ બાબતે નર્મદા નિગમના એમ. ડી. રાજીવ ગુપ્તાએ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, કેવડિયા ખાતે રિવર રાફ્ટિંગ, સાઇક્લિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃત્તિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકિંગ, ક્લાઇમ્બિંગ વોલ, રેપલિંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વગેરે પ્રવૃત્તિઓ ઝરવાણી ઇકો-ટૂરિઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે. દેશમાં પ્રથમવાર કેવડિયા ખાતે નાઈટ ટૂરિઝમ - રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠે છે. રાત્રે વિવિધ છોડ અને પ્રાણીઓથી અદ્ભુત દેખાતો `ગ્લો ગાર્ડન' પણ સમગ્ર દેશમાં અજોડ છે. જેને નિહાળવા દરરોજ 9 હજારથી વધુ પ્રવાસીઓ ઊમટે છે. આમ કેવડિયા પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ સ્થળ બન્યું છે. આ સાથે એક પ્રવાસી 10 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે. જો રોજના 10 હજાર લોકો અહીં આવે તો રોજના એક લાખ લોકોને રોજગારી મળી રહે છે. 
 સરદાર સરોવર અને સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રોકડ રકમ સાથે નહીં રાખી મુક્ત રીતે ફરી શકે તે માટે નાશ્ચિંત કરવામાં આવશે. પ્રવાસીને જ્યારે પણ ટિકિટ ખરીદી કરવી હોય ત્યારે ડિજિટલ પ્રીપેડ સ્માર્ટ બેલ્ટ આપવામાં આવશે. જેમાં પ્રવાસીઓ 1000, 2000, 5000, રૂપિયાનું બેલેન્સ કરાવી શકશે. તેમાંથી જેટલી જરૂરિયાત હશે તે સ્થળ પર ટિકિટ અથવા ખાણીપીણીના સ્ટોલ પર આ બેલ્ટ દ્વારા પેમેન્ટ લેવાશે. તેના બેલેન્સમાંથી કપાત થઈ જશે. સ્ટેચ્યુના તમામ પ્રોજેક્ટ જોયા પછી જે કંઈ બેલેન્સ વધશે તે રકમ પ્રવાસીને પરત આપવામાં આવશે. આમ રોકડ રકમ ગુમ થવાનો પણ પ્રવાસીઓને ડર રહેશે નહીં.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer