ભારતીય કિસાન સભાએ રાજ્યમાં ખેડૂત આંદોલનની ધમકી આપી

ભારતીય કિસાન સભાએ રાજ્યમાં ખેડૂત આંદોલનની ધમકી આપી
મુંબઈમાં રાજ ભવન પર ખેડૂતોનો મોરચો લઈ જવાનો પ્રયાસ કરનાર વિધાનસભ્યની અટક
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રભરના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે નુકસાનની તત્કાળ રાહત અને વળતર નહીં મળે તો તેઓ આંદોલનની શરૂઆત કરશે એમ ગુરુવારે અખિલ ભારતીય કિસાન સભાએ જણાવ્યું હતું.
ગુરુવારે મુંબઈમાં રાજભવન પર મોરચો લઈ જવાનો પ્રહાર જનશક્તિ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય બચ્ચુ કડુ અને અનેક ખેડૂતોને પોલીસે અટકમાં લીધા હતા. આ ઘટનાની પણ અખિલ ભારતીય કિસાન સભાએ ટીકા કરી હતી. 
ખેડૂતો પાક વિનાની રકમની ચુકવણી અને કર્જ માફીની માગણી સાથે રાજભવન પર મોરચો કાઢવા માગતા હતા, પણ પોલીસે તેમને અટકમાં લીધા હતા. તેમના પર હળવો લાઠીમાર પણ કર્યો હતો.
કિસાનસભાના મહારાષ્ટ્રના સેક્રેટરી અજિત નવલેએ કહ્યું હતું કે રાજ્યમાં લીલા દુકાળની જાહેરાત કરાય એવી અમારી માગણી છે. રાજકારણીઓ ખેડૂતોને મળી રહ્યા છે, પણ તેમના માટે આ ફોટો પડાવવાની એક તક થઈ ગઈ છે. સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે દિલ્હી જઈ નેશનલ ડિઝેસ્ટર રીલિફ ફંડમાંથી મદદની માગણી કરવી જોઈએ. 
તેમણે કહ્યું હતું કે સરકાર સ્થાપનાના મુદ્દે જે કોકડું રચાયું છે તેનો તત્કાળ અંત આવવો જોઈએ અને ખેડૂતોને તત્કાળ રાહત મળવી જોઈએ. એ ઉપરાંત પાક વિમાની રકમ નવા પંચનામા પ્રમાણે જ મળવી જોઈએ. કિસાન સભા શરૂઆતમાં તહેસીલદારની તમામ ઓફિસની બહાર વિવિધ પ્રદર્શન યોજશે. જો રાહતમાં વિલંબ કરાશે તો ખેડૂતો રાજભવનમાં આંદોલન શરૂ કરશે.
જોકે, તેમણે રાજ્યસ્તરના આંદોલનની કોઈ ચોક્કસ તારીખ આપી નહોતી.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer