માવઠાં બાદ શાકભાજીના ભાવ આસમાને

માવઠાં બાદ શાકભાજીના ભાવ આસમાને
શિયાળામાં આવક વધવાને બદલે ઘટી
લોકોએ સુરતી ઊંધિયાનો સ્વાદ માણવા થોડી રાહ જોવી પડશે
અમારા પ્રતિનિધી તરફથી
સુરત, તા. 14 : રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત કમોસમી વરસાદ પડતાં ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને નુકસાનનું વળતર ક્યારે મળશે તે કહી શકાય તેમ નથી, પરંતુ હાલમાં શિયાળાની સિઝનમાં જે પ્રકારે શાકભાજીની આવક થવી જોઈએ તે થઈ રહી નથી. માવઠાંનાં કારણે શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સુરતી ઉંધિયાનાં રસિકોએ શાકભાજીના ભાવ ઘટે તેની રાહ જોવી પડશે. 
સુરતી ઉંધિયામાં સુરતનાં કતારગામની પાપડી ખાસ્સી પસંદ કરવામાં આવે છે. કતારગામની પાપડી હજુ બજારમાં આવવાની શરૂ થઈ નથી. જે થોડીઘણી પાપડી બજારમાં આવે છે તે ચપોચપ વેચાઈ જાય છે. પાપડીનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. પાપડીનો કિલોનો જૂનો ભાવ રૂા.50 હતો. આજે સુરતી પાપડીનો ભાવ રૂા. 100ની આસપાસ પહોંચ્યો છે. તેમાં વળી કતારગામની પાપડીનો ભાવ રૂા. 120ની આસપાસ છે. આ ઉપરાંત ઉંધિયામાં રીંગણ નાખવામાં આવે છે. દેશી રીંગણનો ભાવ પ્રતિકિલો રૂા. 100 થયો છે. થોડા સમય અગાઉ દેશી રીંગણ હોલસેલનાં વેપારી પાસે રૂા. 50માં કિલો મળતાં હતાં. 
આ જ પ્રમાણે પરવળ, ફ્લાવર, કોબી, તુવેરનાં ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્રણેયનાં ભાવમાં રૂા. 50 સુધીનો વધારો ઝીંકાયો છે. શાકભાજીના માલની આવક જ થતી ન હોવાથી ભાવમાં વધારો યથાવત રહેવાની ધારણા છે. ટમેટાંના છૂટકનાં કિલોનો રૂા. 70 પહોંચ્યા છે. આ ઉપરાંત સલાડમાં વપરાતા મૂળા, કાકડી, મોગરી સહિતનાં શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. ડુંગળીનાં કાળાં બજારીયાઓ પર નિયંત્રણ રાખવા માટે ચાલુ સપ્તાહે દરોડા પાડવામાં આવ્યાં હતાં. આમ છતાં બજારમાં ડુંગળી ઊંચા ભાવે જ વેચાઈ રહી છે. 
મહા-વાવાઝોડા બાદ પાછોતરા વરસાદે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. હજુ પણ પંદરથી વીસ દિવસથી લીલા શાકભાજીના ભાવ ઊંચા રહેશે. ડિસેમ્બર માસનાં પહેલાં સપ્તાહથી ભાવમાં થોડી રાહત જોવા મળશે. ગૃહિણીઓ શિયાળા દરમિયાન રસોઈમાં લીલા શાકભાજીનો વપરાશ વધારે છે, પરંતુ ચોમાસાની સિઝનથી શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર વધારા બાદ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા ઘણાં સમયથી નાછૂટકે કઠોળ પર ભાર આપતી ગૃહિણીઓએ હજુ કેટલોક સમય લીલા શાકભાજીના વિકલ્પનું ભોજન બનાવવું પડે તેમ છે.
ઉપરાંત સુરતી ઉંધિયાનાં સ્વાદ રસિકોએ ઉંધિયાની જયાફત માણવા માટે કેટલોક સમય રાહ જોવી પડે તેમ છે. હાલમાં જો ઊંચા ભાવનાં શાકભાજી સાથે એક કિલો ઉંધિયું બનાવવામાં આવે તો બમણો ખર્ચ કરવો પડે. 
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer