રફાલ મુદ્દે હવે કૉંગ્રેસ અને રાહુલ માફી માગે અમિત શાહ

રફાલ મુદ્દે હવે કૉંગ્રેસ અને રાહુલ માફી માગે અમિત શાહ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 14 : સર્વોચ્ચ અદાલતે રફાલ વિમાન સોદામાં કેન્દ્ર સરકારને ક્લીન ચિટ આપ્યા બાદ ભાજપના પ્રમુખ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેમણે સમગ્ર રાષ્ટ્રની માફી માગવી જોઈએ.
અમિત શાહે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે રફાલ પર રીવ્યુ પિટિશન રદ કરતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ તમામ નેતાઓ અને પક્ષોને જડબાતોડ જવાબ છે જેઓ આધારહીન અભિયાન ચલાવતા હતા.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પણ આ મુદ્દે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી માફી માગે એવી માગણી કરી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સત્યનો, સુરક્ષાનો અને મોદી સરકારની `ઈમાનદાર' નિર્ણય પ્રક્રિયાનો વિજય થયો છે. કૉંગ્રેસ તથા તેના નેતા રાહુલ ગાંધીએ રફાલ સોદા અંગે દેશને ગુમરાહ કર્યો હતો અને તેમણે જાહેરમાં માફી માગવી જોઈએ.
પ્રસાદે ભાજપના મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોર્ટથી બચવા માટે તો રાહુલ ગાંધીએ માફી માગી લીધી, પરંતુ દેશની જનતા સામે શું કરશે? જનતા સમક્ષ માફી ક્યારે માગશે? પ્રસાદે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ તો એમ પણ કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે નરેન્દ્ર મોદીને ચોર કહ્યા છે. રાહુલ આ બાબતમાં સંસદ સમક્ષ પણ ખોટું બોલ્યા હતા. રફાલની કિંમત વિશે પણ દેશને ગેરમાર્ગે દોરવ્યો હતો. આખરે એવી કઈ તાકાત હતી જેને કારણે રાહુલ ગાંધી રફાલ વિમાન સોદાને અટકાવવાનું અભિયાન ચલાવતા હતા? એવો સવાલ પ્રસાદે કર્યો હતો.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer