સુરતમાં બ્રેનડેડ કાંતાબેન સાવલિયાનાં અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું

સુરતમાં બ્રેનડેડ કાંતાબેન સાવલિયાનાં અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 14 :  શહેરમાં બ્રેનડેડ લોકોનાં અંગદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાની દિશામાં જાગૃતતાનું પ્રમાણ વઘ્યું છે. તાજું ઉદાહરણ આજે બ્રેનડેડ કાંતાબેન સાવલિયાનાં અંગદાનથી પાંચને નવજીવન મળ્યું છે. કાંતાબેનનાં પરિજનોનાં કાર્યથી સમાજમાં માનવતા મહેકી ઊઠી છે.  
ગત તા.9ના રોજ કાંતાબેન સાવલિયા શહેરના અડાજણમાં આવેલી માલવિયા પેથોલોજી લેબોરેટરીમાં બ્લડટેસ્ટ કરાવીને તેમના પુત્રવધૂ સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના ઘરની પાસે તેઓને ચક્કર આવતાં એક્ટિવા પરથી નીચે પડી ગયાં હતાં. કાંતાબેનને માથામાં ઇજાઓ થવાથી તેઓ બેભાન થઇ ગયાં હતાં. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં માલવિયા હૉસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે ગ્રીન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. નિદાન માટે સીટી સ્કેન કરાવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.  
12મીએ ચેસ્ટ ફિઝિશિયન ડૉ.સમીર ગામી, ન્યૂરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યુરોફિઝિશિયન ડૉ.રોશન પટેલ અને ફિઝિશિયન ડૉ. હરેશ વસ્તારપરાએ કાંતાબેનને બ્રેનડેડ જાહેર કર્યા. ડૉ.ખુશ્બુ વઘાસિયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી કાંતાબેનના બ્રેનડેડ અંગેની માહિતી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કાંતાબેનના પતિ  દુર્લભજીભાઈ, પુત્ર નરેશ અને પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. 
કાંતાબેનના પતિ દુર્લભજીભાઈ અને પુત્ર નરેશે જણાવ્યું કે તેઓ ખુબ જ ધાર્મિક વૃતિનાં હતાં અને સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલાં હતાં. તેઓ જીવનમાં હંમેશાં બીજાને મદદરૂપ થવાં તૈયાર રહેતાં હતાં. મારા પિતરાઈ ભાઈની બંને કિડની 2009માં ખરાબ થઇ ગઈ હતી અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ 2010માં થયું હતું ત્યારે તેમની માતાએ એક કિડની આપી હતી. ટ્રાન્સપ્લાન્ટના નવ વર્ષ પછી ફેબ્રુઆરી 2019માં ન્યુમોનિયા થવાને કારણે 42 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. આથી કિડની નિષ્ફળતાની પીડા શું હોય છે તે અમે સારી રીતે જાણીએ છીએ. આથી આજે અમારું સ્વજન બ્રેનડેડ છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.  
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું હતું. અમદાવાદની આઇકેડીઆરસીના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબૅન્કે  સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઇકેડીઆરસીમાં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. 
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુઘી 349 કિડની, 140 લિવર, 7 પેક્રીઆસ, 24 હૃદય, 4 ફેફસાં અને 254 ચક્ષુઓ કુલ 778 અંગો અને ટિશ્યૂઓનું દાન મેળવીને 714 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે. 
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer