રાજકીય કોકડું ઉકેલાઈ જાય એવી શક્યતા
ત્રણેય પક્ષોએ કોમન મિનિમમ પ્રોગ્રામના મુસદ્દાને અંતિમરૂપ આપ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવાર વચ્ચે રવિવારની પ્રસ્તાવિત બેઠક પછી સરકારની રચના અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યોની સમન્વય સમિતિની બેઠક ગુરુવારે મળી હતી અને એમાં કોમન મિનિમમ પ્રોગ્રામના મુસદ્દાને અંતિમરૂપ આપવામાં આવ્યું હતું. આ મુસદ્દાને ત્રણે પક્ષના વડાને મંજુરી માટે હવે મોકલવામાં આવશે. એને મંજુરી મળ્યા બાદ સરકાર સ્થાપનાની પ્રક્રિયા આગળ વધશે.
ગુરુવારે સવારે કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાત અને રાષ્ટ્રવાદીના વડા જયંત પાટીલ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તેઓએ ઠાકરેને સમન્વય સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની વિગતો આપી હતી.
કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને રાષ્ટ્રવાદીના વડા શરદ પવાર વચ્ચે આવતા રવિવારે યોજાનારી મુલાકાતમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના માટેની સમજૂતીને મંજૂરી આપવામાં આવશે. બાદમાં 20મી નવેમ્બર સુધીમાં શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની સરકાર સત્તા સંભાળી લેશે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા અને વિધાનસભ્ય નવાબ મલિકે જણાવ્યું હતું કે શિવસેનાએ મુખ્ય પ્રધાનપદ ખાતર ભાજપ સાથે છેડો ફાડયો છે, તેથી તેનું સન્માન રાખવું અને સ્વાભિમાન જીવંત રાખવું જરૂરી છે. મુખ્ય પ્રધાન શિવસેનાનો હશે. નાયબ મુખ્ય પ્રધાનપદ અંગે હજી સુધી ચર્ચા થઈ નથી. કૉંગ્રેસ સરકારમાં જોડાવા માગતી નથી. તે બહારથી ટેકો આપે એવી સંભાવના છે. અમારી ઇચ્છા છે કે કૉંગ્રેસ સત્તામાં સામેલ થાય હોદ્દા અને ખાતાં વિશે હજી ચર્ચા થઈ નથી. આગામી દિવસોમાં કોઈ વાદવિવાદ નહીં થાય. અમે બધા સાથે બેસીને ચર્ચા કરશું એમ મલિકે ઉમેર્યું હતું.
Published on: Fri, 15 Nov 2019
સોનિયા અને પવાર રવિવારે દિલ્હીમાં મળશે
