મૂડીસે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કર્યો

મૂડીસે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કર્યો
મુંબઈ, તા.14 : મૂડી'સ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કરીને જણાવ્યું છે કે, જીડીપીમાં ઘટાડો અગાઉની ધારણા કરતાં પણ વધુ સમય સુધી રહે તેવી શક્યતા છે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતનું રેટિંગ `સ્ટેબલ'થી `નેગેટિવ' કર્યું તેના અઠવાડિયામાં મૂડી'સે આ પગલું લીધું છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ પાંચ ટકાના દરે થઈ, જે છ વર્ષની નીચલી સપાટીએ છે. 
મૂડી'સે કહ્યું કે, અમે ભારતની વૃદ્ધિ 2018ના 7.4 ટકાની સરખામણીએ ઘટાડીને 2019માં 5.6 ટકા કરીએ છીએ. વર્ષ 2020માં અર્થતંત્રની વૃદ્ધિ 6.6 ટકા અને વર્ષ 2021માં 6.7 ટકા થશે, પરંતુ હાલના ભૂતકાળમાં નબળું જ રહ્યું છે. અર્થશાત્રીઓએ પણ સાવચેતી દર્શાવીને અંદાજ ડાઉનગ્રેડ કરતાં જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે. નબળી ખરીદી અને હજારો રોજગાર નાબૂદ થવાના અંદાજે અર્થશાત્રીઓએ વૃદ્ધિનો અંદાજ ઘટાડયો છે. ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ 2018ના મધ્યથી ધીમી પડી રહી છે. 2019ના બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ 8 ટકાથી ઘટીને પાંચ ટકા થઈ હતી અને રોજગાર ઘટયા હતા. રોકાણમાં પણ ઘટાડો થયો છે અને અર્થતંત્રમાં ગ્રાહકલક્ષી માગ રહી નથી. મંદીને લીધે ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એમ પણ મૂડી'સે કહ્યું હતું. 
મંદ વૃદ્ધિને ગતિ આપવા માટે સરકારે ઘણાં પગલાં લીધાં છે. સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો હતો. નવી ઉત્પાદિત કંપનીઓ માટે ટેક્સ 15 ટકા રાખવામાં આવ્યો જેથી નવુ વિદેશી ભંડોળને આકર્ષી શકે. સરકારે બૅન્કોનું પુન:મૂડીકરણ કરતા 10 સરકાર હસ્તક બૅન્કોને ચારમાં મર્જ કરી હતી. ઓટો ક્ષેત્રને ટેકો આપ્યો, તેમ જ સ્ટાર્ટઅપ્સને પણ કર લાભ આપ્યા. અૉક્ટોબરમાં મૂડી'સે વૃદ્ધિનો આઉટલુક 6.2 ટકાથી ઘટાડીને 5.8 ટકા કર્યો હતો. આ જ મહિને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ પણ ભારતનો જીડીપી વૃદ્ધિ દર ઘટાડીને 2019 માટે 6.1 ટકા અને 2020 માટે 7 ટકા કર્યો છે. તેમ જ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપી વેગે વિકાસ પામતું અર્થતંત્ર છે.
Published on: Fri, 15 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer