શાહિદની ટીમમાં જોડાઈ મૃણાલ ઠાકુર

શાહિદની ટીમમાં જોડાઈ મૃણાલ ઠાકુર
ફિલ્મ કબીર સિંહમાં વ્યસની ડૉકટરની ભૂમિકા ભજવ્યા બાદ હવે શાહિદ કપૂર આગામી ફિલ્મમાં ક્રિકેટર બનવાની તૈયારી કરી રહ્યો છે. તેલુગુ ફિલ્મ જર્સી પરથી આ જ નામની બની રહેલી હિન્દી ફિલ્મમાં શાહિદ મુખ્ય પાત્ર ભજવે છે. 2020ની 28 અૉગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે અને શાહિદે આ માટે ક્રિકેટર બનવાની તાલીમ લેવાની શરૂ કરી દીધી છે. ફિલ્મમાં શાહિદની પ્રેમિકા તરીકે અભિનેત્રી મૃણાલ ઠાકુરની પસંદગી કરવામાં આવી છે. 
ટીવી સિરિયલમાં અભિનય કર્યા બાદ મૃણાલ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી ફિલ્મ લવ સોનિયા દ્વારા બૉલીવૂડમાં પ્રવેશી હતી. ત્યાર બાદ રિતિક રોશનની સુપર -30માં અને જોન અબ્રાહમની બાટલા હાઉસમાં પણ તેણે મુખ્ય નાયિકાની ભૂમિકા ભજવી હતી. હવે મૃણાલ જર્સીમાં એવી યુવતીના પાત્રમાં જોવા મળશે જે શાહિદને ક્રિકેટર બનવા માટે પ્રોત્સાહન આપે છે કેમ કે જ્યારે મોટા ભાગના ક્રિકેટરો ટીમમાંથી વિદાય લે તે વયે શાહિદ ક્રિકેટર બનીને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પ્રવેશવા પ્રયત્ન કરતો હોય છે. 
મૃણાલે મૂળ જર્સી ફિલ્મ જોઈ અને આફરીન પોકારી ઊઠી હતી. તેણે કહ્યું કે તે જોયા બાદ આખી રાતે મને ઊંઘ નહોતી આવી અને બીજે દિવસે ઊઠીને મેં તે ફરી જોઈ હતી. દિગ્દર્શક ગૌતમ તિન્નાનૌરીને હિન્દી રિમેક બનાવવાનો વિચાર આવ્યો હતો ત્યારે તેમની સૌથી પહેલી પસંદ શાહિદ અને મૃણાલ જ હતા. તેમણે કહ્યું કે, મૃણાલે સુપર-30માં જે રીતે અભિનય કર્યો છે તે જોઇને જ તેને લેવાની ઇચ્છા થઈ હતી. 
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer