કેસરના કૃષિકારોની આશાઓ હિમના ઢગલામાં દબાઈ ગઈ

કેસરના કૃષિકારોની આશાઓ હિમના ઢગલામાં દબાઈ ગઈ
પમ્પોર, તા. 19  : કાશ્મીર ખીણના કેસરના કૃષિકારોને આ વર્ષે મબલખ પાક ઊતરવાની આશા હતી. પરંતુ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં થયેલી હિમવર્ષાએ એમની આશા-અપેક્ષાઓને થીજાવી દીધી છે. છથી આઠ નવેમ્બર દરમિયાન થયેલી હિમવર્ષાએ અહીં પમ્પોરમાં જ્યાં કેસરનો મોટા ભાગનો પાક થાય છે ત્યાં કેસરનો ચાળીસ ટકા પાક બરફ નીચે દટાઈ ગયો છે. કેસરની કળીઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાથી નવાં ફૂલો ચૂંટવા કોઈ બહાર નીકળતું નથી.
``હવે (કેસરનાં) ફૂલોની કોઈ ચૂંટાઈ નહીં થાય. અમને હતું આ વર્ષે ઉતારો સારો આવશે અને ગયા વર્ષ કરતાં બમણો કે ત્રણગણો પાક મળશે. પરંતુ ભારે બરફ પડવાથી ઘણો પાક નાશ પામ્યો છે,'' એમ હસ્સુ ગામના મહંમદ અશરફે કહ્યું હતું. આ ગામમાં જમ્મુ-કાશ્મીર સરકારે કેન્દ્રની સહાયથી એક તેજાના પાર્ક બનાવ્યો છે.
કેસર વજનની દૃષ્ટિએ દુનિયાનો સૌથી મોંઘો મસાલો છે. એક કિલો કેસરના દોઢથી અઢી લાખ રૂપિયા ઊપજે છે. કેસરમાં ઔષધીય ગુણો પણ છે. કેસરનાં ફૂલ ઉગાડવા માટે કાશ્મીરનું હવામાન આદર્શ મનાય છે.
``કેસરનો પાક તૈયાર થઈ ગયો હતો ત્યારે બરફ પડયો. મારા જેવાં અનેક કુટુંબો માટે આ પાક સારો ઊતરે એ એકમાત્ર આશા હતી, કારણ કે બાકીના લગભગ બધા વેપારધંધા ત્રણેક મહિનાથી બંધ છે. પરંતુ હવે એ આશા પણ રોળાઈ ગઈ છે.'' એમ અશરફે કહ્યું હતું.
સફ્રોન ગ્રોઅર્સ અને ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ ગુલામ મહંમદ પંપોરીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાનાં 226 ગામોમાં કેસરની ખેતી થતી હતી હવે કેસરના વાવેતર હેઠળનો વિસ્તાર 5500 હેક્ટરથી ઘટીને 4000 હેક્ટર જેટલો જ રહ્યો છે. કેસરનાં ઘણાં ખેતરો સફરજનના બગીચામાં ફેરવાઈ ગયાં છે. હાઇવે પર આવેલાં કેટલાંક ખેતરો વેપાર માટે વપરાય છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer