સોના-ચાંદીનાં આભૂષણોના ડયૂટી ડ્રોબેક દરમાં ધરખમ વધારો

સોના-ચાંદીનાં આભૂષણોના ડયૂટી ડ્રોબેક દરમાં ધરખમ વધારો
મુંબઈ, તા. 19 : સોના અને ચાંદીનાં આભૂષણોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના ડયૂટી ડ્રોબેકના દરોમાં ધરખમ વધારો કરાયો છે. એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ પર તાજેતરમાં લદાયેલાં નિયંત્રણોથી જે નિકાસકારોને અસર થઈ હોય તેમને મદદરૂપ થવા આ પગલું લેવાયું હોવાનું જણાય છે. 
સોનાનાં આભૂષણો માટે ડ્રોબેકનો દર ગ્રામદીઠ રૂા. 272થી વધારીને રૂા.372.9 કરાયો છે, જે સોના પરની આયાતજકાતના 86.74 ટકાને આવરી લે છે. ડયૂટી ડ્રોબેકનો અગાઉનો દર આયાતજકાતના 63.27 ટકાને આવરી લેતો હતો. ચાંદીનાં આભૂષણો માટે ડયૂટી ડ્રોબેકનો દર કિલોદીઠ રૂા. 3254થી વધારીને રૂા. 4332.2 કરાયો છે, જે ચાંદી પરની આયાત જકાતના 83.53 ટકાને આવરી લે છે. અગાઉનો ડ્રોબેક દર જકાતના 62.74 ટકાને આવરી લેતો હતો.
``ડયૂટી ડ્રોબેક અગાઉ જકાતની રકમના 63 ટકા હતો. તે વધીને 87 ટકા થયો છે'' એમ ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલરી એસોસિયેશનના રાષ્ટ્રીય મંત્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું. ``ડયૂટી ડ્રોબેકના દર નીચા હોવાથી નિકાસને અસર થતી હતી. તેમાં વધારો કરવાનું પગલું આ યોજનાનો લાભ લેનારાઓ માટે અત્યંત લાભકારક છે. સોનાના ભાવ વધી ગયા અને સરકારે આયાતજકાત અને ટેરિફ વેલ્યુ વધારી પણ ડ્રોબેકના દરોમાં વધારો ન કર્યો તેથી આભૂષણોની નિકાસ મંદ પડી ગઈ હતી.'' એમ મહેતાએ ઉમેર્યું હતું.
દેશમાંથી દર મહિને એક અબજ ડૉલરનાં આભૂષણોની નિકાસ થાય છે. નિકાસકારો માટે ડ્રોબેક ઉપરાંત બીજા બે વિકલ્પો છે. એક છે, રિપ્લેનિશમેન્ટ અને બીજો છે એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત, પરંતુ એકાદ મહિના અગાઉ એવી જાહેરાત થઈ હતી કે સંપૂર્ણપણે મશીનથી બનેલાં આભૂષણો, ચીજવસ્તુઓ, સિક્કા કે લગડીઓની નિકાસ માટે સોનું વગર જકાતે આયાત કરવાની આગોતરી પરવાનગી (એડવાન્સ ઓથોરાઈઝેશન) અપાશે નહીં. એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમનો દુરુપયોગ થાય છે એવા અહેવાલોને પગલે તેના પર નિયંત્રણો મુકાયાં હતાં, પરંતુ તેનાથી ખરેખરા નિકાસકારો માટે મુશકેલી ઉભી થઈ હતી. તેથી ડયૂટી ડ્રોબેકના દરોમાં વધારો કરાયો હોવાનું જણાય છે. ડ્રોબેકના દરો નીચા હોવાથી નિકાસ પોસાણક્ષમ રહી નહોતી એવી રજૂઆતના પગલે સરકારે વિસંગતિ દૂર કરવા માટે આ પગલું લીધું છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer