ટેરિફ વધવાના સંકેતથી ટેલિકૉમ શૅરોમાં ઉછાળો

ટેરિફ વધવાના સંકેતથી ટેલિકૉમ શૅરોમાં ઉછાળો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : એશિયાનાં બજારોમાં જોવાયેલા સુધારાના ટેકાથી સ્થાનિક શૅરબજારમાં એનએસઈ ખાતે નિફ્ટી 56 પૉઇન્ટ વધીને 11940 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 186 પૉઇન્ટ સુધારે 40470 બંધ હતો. આજના સુધારામાં અગ્રભાગે ભારતી ઍરટેલ ગ્રુપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (જિઓ) અને બૅન્કિંગ શૅરો મોખરે હતા. જંગી દજાંના બોજ તળે આવેલ ટેલિકૉમ કંપનીઓમાં 1 ડિસેમ્બરથી ભાવ વધારવાનું જાહેર કરવાથી આ શૅરોમાં જંગી ઉછાળો જોવાયો હતો. નિફ્ટીના 24 શૅરમાં સુધારા સામે 26 શૅરના ભાવ ઘટયા હતા.
આજે સુધારામાં મુખ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 51, ભારતી ઇન્ફ્રાટેલ રૂા. 24, ભારતી ઍરટેલ રૂા. 30, એસબીઆઈ રૂા. 6, એક્સિસ બૅન્ક રૂા. 25, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 18, એચડીએફસી બૅન્ક રૂા. 10, બજાજ અૉટો રૂા. 30 અને નેસ્લે રૂા. 31 વધ્યા હતા. આજના ઘટેલ મુખ્ય શૅરમાં મારુતિ રૂા. 53, હીરો મોટોકોર્પ રૂા. 34, ઝી રૂા. 8, ટીસીએસ રૂા. 44, એચયુએલ રૂા. 18, ટિસ્કો રૂા. 8, એચસીએલ રૂા. 7, એમ ઍન્ડ એમ રૂા. 13 ઘટયા હતા. અહેવાલ પ્રમાણે રાણા કપૂરે યસ બૅન્કના શૅરોનો તમામ હિસ્સો વેચી દીધો છે.
કેર રેટિંગ એજન્સીના જણાવ્યા પ્રમાણે દેશમાં રોજગારી વૃદ્ધિદર બે વર્ષમાં સૌથી તળિયે નોંધાયો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વર્ષ 2019-20નો અગાઉ નક્કી કરાયેલ ખાધનો લક્ષ્યાંક વધારવામાં નહીં આવે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ રોજ નવી ટોચ બનાવતો રહ્યો છે.
આજે પીએલયુ ઇન્ડેક્સ 3.2 ટકા સુધારવા સામે મેટલ 1 ટકા, એફએમસીજી અને અૉટો 0.7 ટકા દબાણમાં હતા. બીએસઈ ખાતે મિડકેપ 0.3 ટકા સુધરવા સામે સ્મોલકેપ 0.2 ટકા ઘટાડે હતો. એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સમાં બ્લૉકડીલના અહેવાલથી શૅરનો ભાવ 7 ટકા તૂટયો હતો. વોડાફોન-આઇડિયા 20 ટકા વધ્યો હતો. નિષ્ણાતોના અનુમાન પ્રમાણે નિફ્ટીમાં 12000ની સપાટી અત્યંત કટોકટીપૂર્ણ બનશે.
એશિયા-વૈશ્વિક બજાર
અમેરિકામાં નાસ્દાક ઇન્ડેક્સ 10 પૉઇન્ટ સુધારે હતો. હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 413 પૉઇન્ટ વધ્યો હતો. જોકે, જપાન ખાતે નિક્કીમાં 124 પૉઇન્ટ ઘટાડો થયો હતો. શાંઘાઈ ઇન્ડેક્સ 25 પૉઇન્ટ વધીને મજબૂત હતો.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer